Gujarat Congress Nyay Yatra Live: કોંગ્રેસની ન્યાય યાત્રાને બીજો ઝટકો, ગેમઝોન અગ્નિકાંડના 17 પીડિત પરિવાર યાત્રામાં નહીં જોડાય

ગુજરાતમાં કોંગ્રેસ આજથી ન્યાય યાત્રા કાઢી રહ્યું છે, આજથી ગુજરાતમાં કોંગ્રેસની ન્યાય યાત્રાનો પ્રારંભ મોરબીથી થયો છે

gujarati.abplive.com Last Updated: 09 Aug 2024 02:56 PM
જીગ્નેશ મેવાણીએ ભાજપ પર કર્યા પ્રહાર

મોરબીથી કોંગ્રેસની ન્યાય યાત્રા દરમિયાન ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ એબીપી અસ્મિતા સાથે વાત કરી હતી. મેવાણીએ કહ્યું હતું કે ભાજપનો પાપનો ઘડો ભરાઈ ગયો છે. રાજકોટથી તેઓ યાત્રા કાઢવાના છે ત્યારે તેમને ભગવાન સદબુદ્ધિ આપે. યાત્રા ગાંધીનગર પહોંચશે ત્યાં સુધીમાં પાપનો ઘડો ભરાઈ જશે..

પ્રદેશ કોંગ્રેસની ન્યાય યાત્રાને બીજો ઝટકો

પ્રદેશ કોંગ્રેસની ન્યાય યાત્રાને બીજો ઝટકો લાગ્યો છે. અગ્નિકાંડના 17 પીડિત પરિવાર યાત્રામાં સામેલ થશે નહીં. પીડિત પરિવારે કહ્યું કે અમારે રાજકારણ જોઇતું નથી. ગુજરાત સરકારની કામગીરીથી સંતુષ્ટ છે. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસની માંગ સ્વીકારવામાં આવી છે. સરકાર પાસે ન્યાયની માંગ કરી છે, કોંગ્રેસ કે ભાજપ પાસે નહી. સુરત બાદ રાજકોટના પીડિત પરિવારો પણ  યાત્રામાં જોડાશે નહીં. 


 


 

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના શાબ્દિક પ્રહાર

કૉંગ્રેસની ન્યાય યાત્રા પર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શાબ્દિક પ્રહાર કર્યા હતા. નીતિન પટેલે કહ્યું હતું કે કૉંગ્રેસ રાજ્યની શાંતિ ડહોળવાનું કામ કરી રહી છે. રાજ્યમાં કાયદો-વ્યવસ્થા ખૂબ જ સારી છે. પ્રજા વચ્ચે જવા કૉંગ્રેસ પાસે અન્ય કોઈ મુદ્દા નથી.



 

કૉંગ્રેસની ન્યાય યાત્રાને સુરતથી મળ્યો મોટો ઝટકો

કૉંગ્રેસની ન્યાય યાત્રાને સુરતથી મોટો ઝટકો લાગ્યો હતો. પીડિત પરિવારે માંગ કરી હતી કે દુર્ઘટનાને રાજનીતિનો અખાડો બનાવવો જોઇએ નહીં. રાહુલ ગાંધી જોડાય તો પણ ન્યાય યાત્રામાં ન જોડાવવાની જાહેરાત કરી હતી. પીડિત પરિવારોએ કોર્ટ કાર્ટવાહીમાં મદદરૂપ થવા અપીલ કરી હતી. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની વાલીઓની માંગ કરી હતી. અમારા નામે કોઈપણ પક્ષે રાજનીતિ ન કરવી જોઇએ.

રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન પર સંવેદના સભા થશે

રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન પર સંવેદના સભા થશે. 12 ઓગસ્ટે રાજકોટમાં કૉંગ્રેસની ન્યાય યાત્રા ફરશે. 13 ઓગસ્ટે ન્યાય યાત્રા ચોટીલા, ડોળિયા, મુળી થઈ 16 ઓગસ્ટે સુરેન્દ્રનગર પહોંચશે. સુરેન્દ્રનગરથી 17 ઓગસ્ટે લખતર, વિરમગામ થઈને 22 ઓગસ્ટે સાણંદ થઈ અમદાવાદના ચાંદખેડા પહોંચશે. અંતિમ દિવસ 23 ઓગસ્ટે કૉંગ્રેસની ન્યાય યાત્રા ગાંધીનગર પહોંચશે.. ગાંધીનગરમાં એ જાહેર સભા યોજાશે.

કૉંગ્રેસની ન્યાય યાત્રામાં જીજ્ઞેશ મેવાણી સહિતના નેતાઓ જોડાશે

મોરબીથી શરૂ થનારી કૉંગ્રેસની ન્યાય યાત્રામાં જીજ્ઞેશ મેવાણી, લલિત કગથરા, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ, જગદીશ ઠાકોર, અમીબેન, ઋત્વિક મકવાણા, લાલજી દેસાઈ, વિક્રમ માડમ, હિતેશ વોરા, ઈન્દ્રનીલ રાજ્યગુરૂ, વિમલ ચુડાસમા, કિશોર ચીખલીયા સહિતના કૉંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહેશે.

11 ઓગસ્ટે ટંકારા થઈ રાજકોટ પહોંચશે

 કૉંગ્રેસની ન્યાય યાત્રા મોરબીના દરબારગઢથી શરૂ થઈને ઝુલતા પુલ, ગ્રીન ચોક, નહેરૂ ગેટ ચોક, શાક માર્કેટ ચોક, ગાંધી ચોક, સુપર માર્કેટ, સરદાર પટેલ સ્ટેચ્યુ, ઉર્મિલા સર્કલ, ભક્તિનગર સર્કલ ઓવરબ્રિજ, શનાળા શક્તિ માતાજી મંદિર, શનાળા, વીરપર, લજાઈ થઈને 11 ઓગસ્ટે ટંકારા થઈ રાજકોટ પહોંચશે.

પાંચ જિલ્લામાંથી પસાર થતી કૉંગ્રેસની ન્યાય યાત્રા

રાજ્યમાં થયેલ અલગ અલગ દુર્ઘટનાઓમાં પીડિતોને ન્યાયની માંગ સાથે મોરબીથી આજે પ્રદેશ કૉંગ્રેસની ન્યાય યાત્રા શરૂ કરી હતી. પાંચ જિલ્લામાંથી પસાર થતી કૉંગ્રેસની ન્યાય યાત્રા 300 કિલોમીટર ફરશે. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના, રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ, વડોદરા બોટ દુર્ઘટના સહિતની દુર્ઘટનાઓના પીડિતોને ન્યાય આપવાના આશયથી યોજાનારી કૉંગ્રેસની આ ન્યાય યાત્રા 23 ઓગસ્ટે ગાંધીનગરમાં સંપન્ન થશે.

પ્રદેશ કૉંગ્રેસની ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી જોડાય તેવી શક્યતા નહીંવત

પ્રદેશ કૉંગ્રેસની ન્યાય યાત્રા મોરબીથી શરૂ થઇ હતી. પ્રદેશ કૉંગ્રેસની ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી જોડાય તેવી શક્યતા નહીંવત છે. એટલુ જ નહીં પ્રિયંકા ગાંધીની પણ ન્યાય યાત્રામાં જોડાવવાની શક્યતા પણ ખૂબ ઓછી છે. પ્રદેશ કૉંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક વિખવાદની ન્યાય યાત્રા પર અસર થઈ રહી છે. એટલુ જ નહીં  ન્યાય યાત્રાના રૂટ પર સંખ્યા ભેગી કરવા પણ કૉંગ્રેસના નેતાઓ છટકી રહ્યા છે.

બ્રેકગ્રાઉન્ડ

Congress Nyay Yatra: આજથી ગુજરાતમાં રાજકીય ધમાસાન શરૂ થઇ ગયુ છે, ગુજરાતમાં કોંગ્રેસ આજથી ન્યાય યાત્રા કાઢી રહ્યું છે, આજથી ગુજરાતમાં કોંગ્રેસની ન્યાય યાત્રાનો પ્રારંભ મોરબીથી થયો છે. રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં ફરીને 23મી ઓગસ્ટે ગાંધીનગરમાં સંપન્ન થશે. ખાસ વાત છે કે, કોંગ્રેસની આ ન્યાય યાત્રા છેલ્લા કેટલાક દિવસોમાં થયેલી અલગ-અલગ દૂર્ઘટનામાં પીડિતોને ન્યાયની માગ કરવા માટે કાઢવામાં આવી રહી છે. પાંચ જિલ્લામાંથી કોંગ્રેસની આ ન્યાય યાત્રા પસાર થશે જેમાં 300 કિલોમીટર સુધી રાજ્યમાં ફરશે. આ ન્યાય યાત્રામાં કોંગ્રેસના મોટા નેતાઓ હાજર રહ્યાં અને મોરબીના દરબાર ગઢથી યાત્રાની શરૂઆત કરાઇ હતી. કહેવાઇ રહ્યું છે કે, ગુજરાત ન્યાય યાત્રામાં કોઇ એક દિવસ રાહુલ ગાંધી હાજરી આપી શકે છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસની ન્યાય યાત્રાની સામે આવતીકાલથી ભાજપ રાજ્યભરમાં તિરંગા યાત્રા કાઢી રહ્યું છે.


મોરબી બ્રિજ દૂર્ઘટનાથી લઈને રાજકોટ અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવા ગુજરાત કોંગ્રેસ ન્યાયયાત્રા નીકળી છે. મોટી વાત એ છે કે, પાર્ટીએ યાત્રાનો ચહેરો પીડિત પરિવારને જ રાખ્યો છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયા પર જાહેર કરાયેલા પોસ્ટરમાં સ્થાનિક કક્ષાના કોઈ નેતાને સ્થાન આપવામાં આવ્યું નથી.


મોરબીથી શરૂ થનારી 300 કિલોમીટરની આ યાત્રા ગાંધીનગર સુધી પહોંચશે. આ યાત્રામાં શરૂઆતથી અંત સુધી જોડાનારાને ન્યાય યાત્રી, પોતાના જિલ્લામાં જોડાનારા જિલ્લા યાત્રી તથા અતિથિ યાત્રી પણ હશે. આ યાત્રા મોરબીથી શરૂ થયા બાદ રાજકોટ, રાજકોટથી સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરથી અમદાવાદ અને અમદાવાદથી ગાંધીનગર પહોંચશે. કોંગ્રેસ દ્વારા આ યાત્રા પાર્ટ વન ગણાવવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં અન્ય દૂર્ઘટનાના પીડિત પરિવારોને સાથે રાખી બીજી યાત્રા તબક્કાવાર શરૂ કરવામાં આવશે. 


ઉલ્લેખનીય છે કે આ યાત્રામાં કોંગ્રેસ પોતાની સાથે એક ઘડો રાખશે, જેમાં લોકો પોતાના પ્રશ્નો રજૂ કરી શકશે અને કોંગ્રેસ એને ભાજપનાં પાપનો ઘડો નામ આપી રહી છે. એમાં લોકો તેમના પ્રશ્નો નાખશે અને છેલ્લે આ ઘડો ફોડીને ભાજપનાં પાપનો ઘડો ભરાઈ ગયો હોવાનો સંદેશ આપવામાં આવશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.