ગુજરાત સહિત દેશભરમાં કોરોનાનું સંક્રમણ સતત વકરી રહ્યું છે. ત્યારે રેલવેએ રેલવે સ્ટેશન ખાતે ભીડ અટકાવવા પ્લેટફોર્મ ટિકીટના દરમાં વધારો કર્યો હતો. ત્યારે આજથી અમદાવાદ ડિવીઝનના 13 મોટા રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકીટના દરમાં ઘટાડો થશે.


અમદાવાદ રેલવે ડિવીઝન હેઠળના અમદાવાદ, મહેસાણા, ગાંધીધામ, પાલનપુર, ભુજ, મણિનગર, વિરમગામ, સામખિયાળી, પાટણ, ઊંઝા, સિદ્ધપુર અને સાબરમતી રેલવે સ્ટેશન પર આજથી પ્લેટફોર્મ ટિકીટના 50ના બદલે 30 રૂપિયા વસૂલ કરાશે. તો અન્ય નાના સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકીટનો દર 10 માન્ય રહેશે. પ્લેટફોર્મ ટિકીટના દરમાં ઘટાડા સાથે રેલવે વિભાગે રેલવે પ્લેટફોર્મ પણ મુસાફર સિવાયના બિનજરૂરી લોકોને ન આવવા અપીલ પણ કરવામાં આવી છે.


રેલવેની અન્ય એક જાહેરાતમાં તા.૨૯ માર્ચથી અમદાવાદ-નિઝામુદ્દીન સંપર્ક ક્રાંતિ વિશેષ ટ્રેનના સંચાલનના સમયમાં ફેરફાર કરાયો છે. બાન્દ્રા ટર્મિનસ-ભુજ કચ્છ એક્સપ્રેસ તા. ૨૯ માર્ચથી એલએચબી કોચથી દોડાવાશે.


અમદાવાદથી પસાર થતી ચાર ટ્રેનોમાં વધારાના કોચ જોડાશે. જેમાં મુંબઇ સેન્ટ્રલ-ઓખા, બાન્દ્રા ટર્મિનસ- જમ્મુતવી, બાન્દ્રા ટર્મિનસ-દિલ્હી સરાય રોહિલ્લા, અને બાન્દ્રા ટર્મિનસ-ભગત કી કોઠી સ્પેશિયલ ટ્રેનમાં એક વધારાનો સ્લીપર કોચ જોડાશે.


 ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વકરે નહીં તે માટે સરકારે મહારાષ્ટ્રમાંથી આવતા લોકોનો RTPCR રિપોર્ટ નેગેટિવ ફરજિયાત બતાવવાનો નિયમ બનાવ્યો છે. અને જો 72 કલાકમાં RTPCR રિપોર્ટ નેગેટિવ હશે તો જ તેમને ગુજરાતમાં પ્રવેશ મળશે.


જ્યારે સરકારના આ નિયમનું કેટલું પાલન થઈ રહ્યું છે તેનું ખંડન કરવા જ્યારે ABP અસ્મિતાની ટીમ કાલુપુર રેલવે સ્ટેશન રિયાલીટી ચેક કરવા પહોંચી તો સરકારના નિયમથી વિપરીત દ્રશ્યો સામે આવ્યા હતા. અહીં તો નથી મુસાફરોના રિપોર્ટના ચેકિંગ માટે કોઈ વ્યવસ્થા કે નથી કોઈ મુસાફરો કોરોનાનો રિપોર્ટ કાઢીને આવી રહ્યા. અમદાવાદમાં એક તો કોરોના બેકાબૂ છે એવામાં કોર્પોરેશનની આવી બેદરકારી કોરોનાના સંક્રમણ વધારો કરી શકે છે.