જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગોપ ગામે કોરોના વિસ્ફોટ થતા સમગ્ર ગામ સહીત આરોગ્ય પ્રશાસનમાં ભયનું લખલખું પ્રસરી ગયુ છે. એક સાથે 11 ગ્રામજનો કોરોનાગ્રસ્ત થતા ગ્રામપંચાયતે લોકડાઉન જાહેર કરી દીધું છે. અને આગામી પાંચ દિવસ સુધી ગામમાં આવશ્યક ચીજ વસ્તુઓ સિવાય બધુ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.


ગ્રામ પંચાયતે કરેલ ઠરાવ મુજબ આજથી 31 તારીખ સુધી લોકડાઉન કરવા અને સહકાર આપવા ગ્રામજનોને અપીલ કરવામાં આવી છે. આ પાંચ દિવસના ગાળા દરમિયાન જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સિવાય અન્ય દુકાનો અને સંસ્થાનો બંધ રાખવા તાકીદ કરવામાં આવી છે. જામનગર જિલ્લામાં કોરોના ધીરે ધીરે ફરીથી માથું ઊંચકી રહ્યો છે. આ વખતે શહેરની સાથે ગ્રામ્યમાં પણ વાયરસ પ્રબળ બનતા જિલ્લાભરમાં ભયનો માહોલ ઉભો થયો છે.


નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના નવા 1790 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 8 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા હતા. ગઈકાલે રાજ્યમાં 1277 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,78,880 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.45 ટકા પર પહોંચ્યો છે. હાલ 8823 એક્ટિવ કેસ છે, જેમાંથી 79 લોકો વેન્ટિલેટર પર અને 8744 લોકો સ્ટેબલ છે.


કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?


ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, ગાંધીનગર, જામનગર કોર્પોરેશન, રાજકોટ કોર્પોરેશન અને વડોદરા કોર્પોરેશનમાં 1-1 મોત સાથે કુલ 8 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4466 લોકોના કોરોનાથી મોત થયા છે.


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?


અમદાવાદ કોર્પોરેશનમાં 506, સુરત કોર્પોરેશનમાં 480, વડોદરા કોર્પોરેશનમાં 145,  રાજકોટ  કોર્પોરેશનમાં 130, સુરતમાં 102,  ભાવનગર કોર્પોરેશન 27, જામનગર કોર્પોરેશનમાં 22, ગાંધીનગર કોર્પોરેશનમાં 21, વડોદરામાં 20, ખેડામાં 19, પાટણમાં 19, ગાંધીનગરમાં 18, મહેસાણામાં 17, નર્મદામાં 17, દાહોદમાં 16, બનાસકાંઠામાં 15, કચ્છમાં 15, અમરેલીમાં 14, ભરુચમાં 13 અને જામનગરમાં 13 કેસ નોંધાયા હતા.


કેટલા લોકોએ લીધી રસી


વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 36,77,467  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,17,132 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  રાજ્યમાં ગઈકાલે કુલ 1,90,858 લોકોને રસી આપવામાં આવી છે. ગઈકાલે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 1,76,574 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.


ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમણ અટકાવવા  રાજ્ય સરકારે મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવતા તમામ યાત્રીઓ માટે ગત 72 કલાકમાં RTPCR ટેસ્ટ ફરજિયાત કરી દીધો છે. સાથે મહારાષ્ટ્રમાંથી આવતા તમામ લોકોનું સ્ક્રીનિંગ ફરજીયાત કરવામાં આવ્યું છે.


મંગળવારે રાજ્યમાં કોરોના 1730 કેસ નોંધાયા હતા જ્યારે વધુ 4 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા હતા.