ગાંધીનગરઃ ગાંધીનગર પાસેના પેથાપુરમાં મળી આવેલા ત્યજી દેવાયેલા બાળક શિવાંશની મમ્મીના મામલે બહુ મોટો ધડાકો થયો છે. શિવાંશની માતા હીના ઉર્ફે મહેંદીની હત્યા તેના જ પતિ સચિને કરી દીધો હોવાની કબૂલાત કરી છે. આ માહિતી ગાંધીનગર રેન્જ આઈજી અભય ચુડાસમાએ આપી છે.
ચુડાસમાએ માહિતી આપી કે, હીના ઉર્ફે મહેંદી પેથાણી મૂળ જૂનાગઢના કેશોદની છે. તેના પિતાએ બીજાં લગ્ન કર્યાં હોવાથી હીના અમદાવાદના બોપલમાં રહેતાં તેના માસા-માસીના ઘરે જ રહેતી હતી. શિવાંશનો જન્મ પણ બોપલ ખાતે જ થયો હતો. સચિન અને હીનાએ ઘુમામાં જ ફ્લેટ ભાડે રાખ્યો હતો પણ ત્રણ મહિના પહેલાં ઘર ખાલી કરીને જતી રહી હતી. શિવાશના માતા હીના ટેટુ આર્ટિસ્ટ હતી અને કોન્ટ્રાક્ટ પર કામ કરતી હતી. ઘુમામાં સચિન દીક્ષિતે પોતાના નામે ફ્લેટ ભાડે રાખેલ હતો અને રૂપિયા 11500 ના હપ્તા સાથે ભાડા કરાર કર્યો હતો.
જો કે હિના પેથાણી માત્ર છ મહિના જ ભાડાના મકાનમાં રહી હતી. હાલ ભાડાના મકાનમાં નિવૃત આર્મી ઓફિસર રહી રહ્યા છે. હિના પેથાણીએ પડોશીઓ સાથે ક્યારેય પોતાના પતિ અંગે વાત કરી ન હતી. હિના સાંજે બહાર જતી અને બાદમાં રાતે કેટલા વાગે પરત ફરતી હતી એ વાતથી પડોશીઓ અજાણ હતી.
શિવાંશની માતા હીનાની તેના જ પ્રેમી સચિને હત્યા કરી નાંખી એ મુદ્દે પોલીસે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, સચિન દીક્ષિત 2016માં હિના ઉર્ફે મહેંદીના પરિચયમાં એક શોરૂમમમાં ગયો ત્યારે આવ્યો હતો. હીના પેથાણી શોરૂમમાં નોકરી કરતી હતી તેથી તેની સાથે પરિચય થયો હતો ને બંને વચ્ચે શરીર સંબંધ બંધાયો હતો. બંને 2019 થી સાથે રહેતા હતા અને બે મહિના પહેલાં સચિને વડોદરામાં નોકરી લીધી હતી. સચિન 5 દિવસ વડોદરા અને 2 દિવસ ગાંધીનગર રહેતો હતો.