Junagadh News: રાજ્યમાં રાજકીય ગતિવિધીઓ તેજ થઇ ગઇ છે. આપ બાદ હવે કોંગ્રેસના નેતાઓ તૂટી રહ્યાં હોવાની ચર્ચાઓ વચ્ચે આજે મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચૂડાસમાએ મીડિયા સામે આવીને મોટુ નિવેદન આપ્યુ છે. ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચૂડાસમાએ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થવાની વાતો પણ પૂર્ણવિરામ મુકી દીધુ છે. હાલમાં જ મીડિયામાં ચાલતી અટકળોનો અંત લાવી દીધો છે.


ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચૂડાસમાએ હાલમાં જ એક પ્રેસ કૉન્ફરન્સ યોજીને રાજીનામા અને અન્ય પક્ષામાં જોડાવવાની તમામ અટકળોને ફગાવી છે. તેમને આજે પીસીમાં જણાવ્યુ કે, હું છેલ્લા 6 વર્ષથી એવી સ્પષ્ટતા કરતો આવ્યો છું, કે હું ક્યાંય જવાનો નથી, મને કોંગ્રેસે બધુ જ આપ્યુ છે. હાલમાં રાજીનામા અને અન્ય પક્ષમાં જવાની અટકળો માત્ર મને બદનામ કરવા માટે વહેતી કરાઇ છે. વિમલ ચૂડાસમાએ વધુમાં જણાવ્યુ કે, દરેક રાજકીય પક્ષનો સારો - ખરાબ સમય આવતો હોય છે, પરંતુ જેનું મન અને હ્રદય મજબૂત હોય તેને ક્યારેય કોઈ ઓફર કરતું નથી, મને કોઇ ઓફર મળી નથી. હું કોંગ્રેસના છું અને રહીશ. 


ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં રાજકીય નેતાઓના રાજીનામા આપવાનો સિલસિલો ચાલી રહ્યો છે. પહેલા આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાયા હતા, અને ગઇકાલે ફરી એકવાર કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે પણ રાજીનામુ આપીને બીજેપીમાં સામેલ થઇ ગયા હતા. 


લોકસભા પહેલા ગુજરાતમાં ભાજપનું ‘ઓપરેશન લોટસ’, ચાલુ ટર્મના કેટલા ધારાસભ્યો તૂટ્યા, કેટલા છે પાઇપલાઇનમાં?


લોકસભા ચૂંટણી 2024 અગાઉ ગુજરાતમાં ભાજપનું ‘ઓપરેશન લોટસ’ શરૂ થયું એવું લાગી રહ્યું છે. આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી બાદ ખંભાતથી કોગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. ચિરાગના રાજીનામા બાદ ચિરાગ પટેલ ભાજપમાં જોડાય તેવી અટકળો શરૂ થઇ ગઇ છે. ભૂપત ભાયાણીએ વિસાવદરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું જ્યારે ચિરાગ પટેલે ખંભાત બેઠક પરથી ફક્ત એક જ વર્ષમાં કોગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. ચિરાગ પટેલે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં 2022માં ખંભાતથી 3711 મતથી જીત્યા હતા. ચિરાગ પટેલ સહકારી ક્ષેત્રમાં પણ પ્રભુત્વ ધરાવે છે. આ સાથે તેઓ કોંગ્રેસના જૂના કાર્યકર ગણાય છે.




લોકસભા ચૂંટણી અગાઉ કેટલા ધારાસભ્યોએ આપ્યું રાજીનામું


લોકસભા ચૂંટણી 2024 અગાઉ કેટલાક ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું હતું. ભૂપત ભાયાણીએ વિસાવદરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું જ્યારે ચિરાગ પટેલે ખંભાત બેઠક પરથી ફક્ત એક જ વર્ષમાં કોગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું.


વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. ભાજપે રાજ્યની 182 બેઠકોમાંથી 156 બેઠકો પર જીત મેળવી હતી. ફક્ત એક જ વર્ષમાં કોગ્રેસ અને આપના એક-એક ધારાસભ્યોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. એક જ સપ્તાહમાં બે ધારાસભ્યોના રાજીનામા બાદ વિધાનસભામાં સંખ્યાબળ ઘટીને 180 થઇ ગયું હતું. વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટી 16 થઇ ગયું છે. કોગ્રેસે 2022ની વિધાનસભા ચૂંટણીમાં 17 બેઠકો પર જીત મેળવી હતી.




હજુ પણ કેટલા ધારાસભ્યો આપી શકે છે રાજીનામા


કોગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલના રાજીનામા બાદ એવી અટકળો શરૂ થઇ ગઇ છે કે આ મહિનાના અંત સુધીમાં વધુ કેટલાક ધારાસભ્યો રાજીનામા આપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ધારાસભ્યો રાજીનામા આપી શકે છે. સૂત્રોએ વધુમાં કહ્યું કે હજુ પણ વિપક્ષના ચાર ધારાસભ્યો રાજીનામા આપી શકે છે. આપ અને કોગ્રેસના ચારથી વધુ ધારાસભ્યો ભાજપના રડાર પર છે.


સૂત્રોએ જણાવ્યું હતું કે 31 ડિસેમ્બર પહેલા વિપક્ષના ચાર ધારાસભ્યોના રાજીનામા પડશે. જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં કમલમમાં વેલકમ પાર્ટી યોજાય તેવી પણ ચર્ચા છે. રાજીનામું આપનારા તમામ નેતાઓ જાન્યુઆરીમાં ભાજપમાં જોડાઇ શકે છે. રાજીનામું આપનાર બંને ધારાસભ્યો પહેલીવાર ચૂંટણી જીત્યા હતા.




લોકસભા ચૂંટણી અગાઉ મજબૂત થવાની ભાજપની કવાયત


લોકસભા ચૂંટણી અગાઉ ગુજરાતના રાજકારણમાં હલચલ વધી ગઇ છે. ભાજપે લોકસભાની ચૂંટણીમાં તમામ 26 બેઠકો જીતવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ દ્ધારા ગત લોકસભાની ચૂંટણીની જેમ આ વખતે પણ તમામ બેઠકો જીતવા માટે જોડ-તોડની નીતિ શરૂ કરી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાંથી રાજીનામા પડી રહ્યા છે. ભારતે 2019 લોકસભા ચૂંટણીમાં રાજ્યની તમામ 26 બેઠકો પર જીત મેળવી હતી. ભાજપ કેન્દ્રમાં પણ સતત ત્રીજી વખત સરકાર બનાવવા માંગે છે જેના માટે ભાજપ માટે ગુજરાત રાજ્યની તમામ બેઠકો જીતવી જરૂરી છે.


‘ચૂંટણી આવે અને કોગ્રેસમાંથી રાજીનામા પડે’ તેવું અગાઉ પણ બન્યું છે


રાજ્યસભાની 2019માં આવેલી લોકસભા ચૂંટણીમાં પહેલા મંગળ ગાવીત, અક્ષય પટેલ, જે.વી.કાકડીયા, પ્રદ્યુમનસિંહ જાડેજા, સોમા પટેલ, પ્રવીણ મારું, જીતુ ચૌધરી અને બ્રિજેશ મેરજાએ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. પ્રવીણ મારુ, મંગળ ગાવીત અને સોમા પટેલ કોઈ પક્ષમાં જોડાયા નહોતા પરંતુ બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરીને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રિમડલમાં સ્થાન મળ્યું હતું. જ્યારે અક્ષય પટેલ, જે.વી.કાકડીયા, પ્રદ્યુમનસિંહ જાડેજા ભાજપમાં જોડાઈને ફરીવાર પેટાચૂંટણીમાં વિજયી બન્યા હતા. જયરાજસિંહ પણ કોગ્રેસ છોડી ભાડપમાં જોડાયા હતા. તે સિવાય કોંગ્રેસના દિગ્ગજ નેતા અશ્વિન કોટવાલ પણ ભાજપમાં જોડાયા હતા.