Rajkot:  રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે.  રાજ્યભરના ગેમઝોન અને મનોરંજન સ્થળ અંગે મોટો નિર્ણય લેવાયો હતો. સરકારે NOC વગર ચાલતા મનોરંજન સ્થળો અને ગેમઝોનના માલિક સામે ગુનો નોંધવાનો આદેશ આપ્યો હતો. હાલમાં થયેલી ચકાસણીમાં જેમની પાસે NOC નથી તેમની સામે પણ ગુનો નોંધવાનો આદેશ અપાયો છે. રાજ્યના તમામ કલેકટર અને મ્યુનિસિપલ કમિશનરને IPCની બિનજામીન પાત્ર કલમો લગાવવા પણ આદેશ કરાયો છે.



નોંધનીય છે કે ધવલ ઠક્કર નામના ચોથા આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સરકારી વકીલ દ્વારા ધારદાર રજૂઆત કરાઇ હતી. પોલીસે ધવલ ઠક્કરના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી પરંતુ કોર્ટે 13 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. બીજી તરફ રાજકોટ અગ્નિકાંડમાં વધુ 4 મૃતદેહની ઓળખ થઈ છે. DNA સેમ્પલ મેચ થતાં મૃતદેહ ઓળખાયા હતા. અત્યાર સુધી કુલ 24 મૃતદેહોની ઓળખ થઇ છે. શનિવારે રાજકોટના ટીઆરપી ગેમ ઝૉનમાં આગ લાગી હતી, જેમાં 28 લોકોના મોત બાદ હોબાળો થયો અને બાદમાં એસઆઇટીની રચના કરવામાં આવી હતી.


SITનો પ્રાથમિક રિપોર્ટ સરકારમાં અપાઈ ચૂક્યો છે. SITના પ્રાથમિક રિપોર્ટમાં અનેક પ્રકારની ગેરરિતી થયાના ખુલાસો થયા છે. ગેમ ઝૉનની ગતિવિધીઓ સાથે જોડાયેલા અધિકારીઓના નિવેદનો આ માટે લેવામાં આવ્યા છે. RMC, પોલીસ, PWDના અધિકારીઓના નિવેદનો લેવાયા છે. આ ઉપરાંત R&B વિભાગ, પૂરવઠા વિભાગના અધિકારીઓના પણ નિવેદનો લેવાયા છે. ઈમ્પેક્ટ ફી થકી ગેમ ઝૉનને કેવી રીતે રેગ્યૂલાઇઝ કરાઇ તેની પણ તપાસ કરવામાં આવી છે. આ રિપોર્ટમાં ખુલ્યુ છે કે, કયા એન્જિનીયરે સલાહ આપી હતી તેની પણ તપાસ થશે. આ ઉપરાંત કયા-કયા નકલી દસ્તાવેજો ઉભા કરાયા હતા તેની પણ તપાસ થશે. SITની તપાસ હજુ પણ ચાલુ રહેશે. ખાસ વાત છે કે, ગાંધીનગરમાં રિપોર્ટ સોંપીને SITની ટીમ રાજકોટ રવાના થશે.


ઘટનાના પગલે ઉચ્ચ અધિકારીઓ સામે પગલા લેવાના શરૂ કરવામા આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર આનંદ પટેલ, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને હટાવાયા છે. એડીશનલ પોલીસ કમિશનર વિધી ચૌધરી અને ડીસીપી ઝોન-2 સુધીરકુમાર દેસાઈને પણ ખસેડાયા છે.