Gandhinagar: ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. મળતી જાણકારી અનુસાર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી 31 માર્ચના રોજ ગુજકેટની પરીક્ષા લેવાશે.
ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે એન્જિનિયરિંગ, ફાર્મસી, વેટરનરી અને એગ્રિકલ્ચરમાં પ્રવેશ માટે લેવાનારી આ પરીક્ષા એક લાખ 37 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે. અમદાવાદમાં 70થી વધુ તો રાજકોટના 49 કેન્દ્ર સહિત રાજ્યના દરેક જિલ્લામથકોએ પરીક્ષા લેવાશે. જેમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સનુ 120 માર્કસનુ પેપર લેવાશે. પરીક્ષાનો સમય સવારે 10થી 4 દરમિયાનનો રહેશે. જોકે, તેમાં વચ્ચે એક કલાકનો બ્રેક મળશે.
બોર્ડની પૂર્ણ થતાની સાથે જ વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષાની તૈયારી શરૂ કરી દેવી પડશે. કારણ કે, 12 સાયન્સ બાદ ઉચ્ચ અભ્યાસ માટે ગુજકેટના માર્કસ ગણતરીમાં લેવામાં આવે છે. ગુજકેટના તમામ પરીક્ષા કેન્દ્ર સીસીટીવીથી સજ્જ રહેશે.
બજેટ સત્ર દરમિયાન ગૃહમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે રાજ્યની ઈજનેરી કોલેજોમાં વર્ષ 2022માં ડિગ્રી ઈજનેરી 39 હજાર 340 બેઠકો ખાલી રહી હતી. તે સિવાય વર્ષ 2022માં ડિગ્રી ઈજનેરીની 71 હજાર 619 પૈકી 30 હજાર 70 બેઠકો ભરાઇ હતી. વર્ષ 2023માં ડિગ્રી ઈજનેરીની 32 હજાર 818 બેઠકો ભરાઇ હતી તો 38 હજાર 811 ખાલી રહી હતી.
વર્ષ 2022માં ડિપ્લોમા ઈજનેરીની 27 હજાર પાંચ બેઠકો ખાલી રહી હતી જ્યારે વર્ષ 2022માં ડિપ્લોમા ઈજનેરીની 69 હજાર 223 પૈકી 41 હજાર 156 બેઠકો ભરાઇ હતી. વર્ષ 2023માં ડિપ્લોમા ઈજનેરીની 45 હજાર 722 બેઠકો ભરાઇ હતી જ્યારે વર્ષ 2023માં ડિપ્લોમા ઈજનેરીની 23 હજાર 501 બેઠકો ખાલી રહી હતી.
રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં 3260 મદદનીશ શિક્ષકોની જગ્યાઓ વર્ષ 2023 ની સ્થિતિ ખાલી છે. સરકારે જણાવ્યું હતુ કે રાજ્યની સરકારી માધ્યમિક શાળાઓમાં 796 અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં 2464 મદદનીશ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે.