Heat wave: રાજ્યમાં ઉનાળા પહેલા જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. અનેક શહેરોમાં ગરમીનો પારો 36 ડિગ્રી સુધી પહોંચ્યો છે.  ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં હિટવેવની આગાહી કરી છે.  હવામાન વિભાગ મુજબ રાજ્યમાં આવનારા પાંચ દિવસમાં મોટાભાગના વિસ્તારોમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે.


આવનારા પાંચ દિવસમાં સૌરાષ્ટ્ર- કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમી અને ભેજના કારણે ડિસકમ્ફર્ટ જેવી પરિસ્થિતિ રહી શકે છે. આગામી પાંચ દિવસમાં કંડલા અને પોરબંદરમાં હિટવેવની શક્યતા છે. હાલમાં પોરબંદરમાં તાપમાન 38 ડિગ્રી નોંધાયુ છે. જ્યારે કંડલામાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હીટ સાથે એકથી બે ડિગ્રી તાપમાન વધી શકે છે.


છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાનની વાત કરીએ તો, 39.8 ડિગ્રી સાથે રાજકોટમાં સૌથી વધુ તાપમાન નોંધાયુ હતું. આગામી પાંચ દિવસ સુધી ગરમીની સાથે ભેજવાળા વાતાવરણના કારણે રાજ્યમાં ધૂળેટી સુધી સૂકું અને ગરમ હવામાન રહેશે. જેના સાથે જ ગરમીમાં વધારો જોવા મળી શકે છે.


હાલ ઇરાન પર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયુ છે. જે 20 માર્ચ બાદ ભારત પહોંચશે, જેના કારણે ઓડિશા, મહારાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદ થઇ શકે છે  પરંતુ તેની અસરથી ગુજરાતમાં વરસાદની કોઇ શક્યતા નથી. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં હજુ તાપમાનમાં ધરખમ ફેરફાર થાય તેવી કોઇ શક્યા નથી. રાજ્યમાં તાપમાનમાં 2થી3 ડિગ્રીનો વધારો જોવા મળી શકે તેમ છે. અમદાવાદમાં 36 ડિગ્રીથી આસપાસ તાપમાન રહી શકે છે. અમદાવાદ સિવાય સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં તાપમાન 34ની આસપાસ રહી શકે છે. 


IMD એ ઘણા રાજ્યોમાં ભારે પવન સાથે વીજળી અને વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. IMD અનુસાર, પશ્ચિમ બંગાળમાં 17 થી 20 માર્ચ વચ્ચે કરા અને વાવાઝોડાની સંભાવના છે. આ સિવાય ઝારખંડ, ઓડિશા, વિદર્ભ અને છત્તીસગઢમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.