ગીર સોમનાથ: રાજ્યમાં આજથી એટલે કે 15 જૂનથી ચાર માસ માટે 15 ઓક્ટોબર-2025 સુધી રાજ્યના તમામ અભ્યારણ્યો તેમજ રાષ્ટ્રીય ઉદ્યાનો દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રવાસીઓ માટે સંપૂર્ણ બંધ રહેશે. ગીર અભયારણ્ય 15 જૂનથી 16 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે. આ સમયગાળો સિંહ પ્રજાતિનો સવનન કાળ ગણાય છે. ચોમાસા દરમિયાન જંગલના કાચા રસ્તાઓની સ્થિતિ પણ બગડી જાય છે. આ વર્ષે 8.50 લાખ મુલાકાતીઓએ સિંહદર્શન કર્યું. 

ગીર જંગલ દેશ-વિદેશના પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. પ્રવાસીઓ બે સ્થળોએથી સિંહદર્શન કરી શકે છે. એક આરક્ષિત ગીર જંગલમાં મુક્ત વિહરતા સિંહો અને બીજું દેવળિયા સફારી પાર્કના મિની જંગલમાં રહેતા સિંહો.

8 લાખ 50 હજાર પ્રવાસીઓએ સિંહદર્શન કર્યું

ચોમાસા દરમિયાન આરક્ષિત જંગલમાં સિંહદર્શન બંધ રહે છે. દેવળિયા સફારી પાર્ક વરસાદ ન હોય ત્યારે ચાલુ રાખવામાં આવે છે. 2024-25માં અત્યાર સુધીમાં 8 લાખ 50 હજાર પ્રવાસીઓએ સિંહદર્શન કર્યું છે. પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. સિંહોના સવનન કાળમાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે જંગલ પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે. આ નિર્ણય વન્યજીવ સંરક્ષણની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે.

વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972ની જોગવાઇ મુજબ ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે અચાનક પૂર, ચક્રવાત તેમજ ખરાબ રસ્તા જેવી પરિસ્થિતિ ઉભી થાય છે. વધુમાં આ સમયગાળો અનેક પક્ષીઓ, સસ્તનપ્રાણીઓ, સરીસૃપ વિગેરે પ્રજાતિઓ માટે પ્રજનનકાળ હોવાથી તેમાં અવરોધ થવાની શકયતાને ધ્યાનમાં લેતાં વન વિભાગ દ્વારા ગુજરાતના તમામ અભ્યારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો ખાતે આવતાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમ, વન વિભાગના જાહેરનામામાં જણાવાયું છે.

16 ઓક્ટોબર-2025થી તમામ અભ્યારણ્યો રાબેતા મુજબ ચાલુ

આગામી તારીખ16 ઓક્ટોબર-2025થી તમામ અભ્યારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે. નોંધનીય છે કે, આ પ્રતિબંધના સમયગાળા દરમિયાન કોઈપણ ખાનગી કે સરકારી વેબસાઈટ-પોર્ટલ પર પ્રવાસીઓ માટે આ સ્થળોની મુલાકાત કરવા ઓનલાઈન બુકિંગ કરવામાં આવતું નથી જેની પ્રવાસીઓએ ખાસ નોંધ લેવા વન વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. 

ચાર મહિના માટે ગીર અભયારણ્ય તમામ પ્રકારની પ્રવાસન ગતિવિધિ માટે બંધ કરવામાં આવે છે.  16 ઓક્ટોબર-2025થી તમામ અભ્યારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે.