Gir Somnath : તાલાલા બાળકીની બલીનો મામલો પોલીસે ઉકેલી નાંખ્યો છે.  પોલીસ પૂછપરછમા બાળકીના પિતાએ આખરે સરેન્ડર કર્યું અને ગુનો કબુલ્યો છે. બાળકીને વળગાડ હોવાનું અને તેના પિતા વળગાડ દૂર કરવા જાતે વિધિ કરી હોવાનું કબુલ્યું. બાળકી ત્રણ દિવસ સુધી ભૂખી અને તેરસી રહેવાના કારણે મોત થયાનું અનુમાન છે. જોકે, સાચી હકિકત તપાસ પછી સામે આવશે. વધુ એક આરોપીને સુરતથી ઝડપી પાડવા પોલીસ રવાના થઈ છે. હાલ બાળકીના પિતા સહિત બે આરોપી છે. વધુ નામ ખુલવાની આશંકા છે.


માયા પ્રાપ્તિના મોહમાં પરિવારે પોતાની દીકરીની બલી ચડાવી દીધાની આશંકા છે. તાલાલાના ધાવા ગીર ગામે અંધશ્રદ્ધામય શંકાસ્પદ બનાવ સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો. વાડીએ રહેતા પરિવારમાં  હવનાષ્ટમીના દિવસે ઘટના બની હતી. લાશને બે દિવસ રાખ્યા બાદ દુર્ગંધ આવવા લાગતા ચૂપચાપ અગ્નિદાહ દઈ દીધો. પંચાયતમાં મરણનોંધ પણ ન લખાવી.


ચકચારી ઘટના મુદ્દે એસ.પી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પોલીસ હાલ તપાસ ચલાવી રહી છે. મૃતક બાળકી ધૈર્યાના માતા પિતા શંકાના દાયરામાં છે. બાળકીનો પિતા અલગ અલગ નિવેદન આપી રહ્યો છે. બનાવ સ્થળેથી મળેલ પુરાવાના fsl રિપોર્ટ બાદ પોલીસ કોઈ નિષ્કર્ષ પર આવશે. હાલ બાળકીના પિતા સહિત પરિવારના ચાર લોકોનું ઇન્ટરોગેશન ચાલુ છે. 


તાંત્રિક વિધિના અંધ વિશ્વાસમાં ફસાયેલા બાપે પોતાની જ 14 વર્ષની દીકરીનું ગળું કાપી બલી ચડાવતા ચકચાર મચી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. પોલીસના બાતમીદારોએ બાતમી આપી હતી કે અહીં વાડી વિસ્તારમાં ભાવેશભાઈ અકબરી નામના વ્યક્તિ છે જે સુરત રહેતા હતા અને છેલા 6 મહિનાથી અહીં વતનમાં આવ્યા હતા. ભાવેશભાઈની 14 વર્ષની બાળકી ધૈર્યા જે ધોરણ 9મા અભ્યાસ કરતી હતી. પરંતુ 8મા નોરતાએ તે બાળકીની રાત્રે તેના જ પિતાએ બલી ચડાવી હોવાની બાતમી પોલીસને હાલ મળતા પોલીસે તપાસ શરૂ કરી છે.


પોલીસે ભાવેશભાઈ અકબરીની વાડીએ તપાસ કરતાં શેરડીની વાડીમાંથી 2 બાચકા અને એક રાખ ભરેલું જબલુ મળી આવ્યું છે. બાચકાની અંદર કપડા અને રાખ જોવા મળી. જો કે હજુ સુધી પોલીસને કોઈ નક્કર પુરાવો નથી મળ્યો. બીજી તરફ બાળકીના મોતના 4 દિવસ સુધી ગોદડામા વિટાળી હોવાના અને 7 ગામના લોકો અંતિમક્રિયા કરી હોવાના આરોપ મામલે પોલીસ અને તાલાલા મામાલદારે અન્ય લોકોની પૂછપરછ હાથ ધરી છે.