Junagadh:  ગિર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાને  માળીયા હાટીના કોર્ટે હુમલાના કેસમાં દોષિત ઠેરવ્યા છે. વર્ષ 2010 માં નૂતનવર્ષના દિવસે ચોરવાડ ખાતે મીત વૈધ અને હરીશ ચુડાસમા પર હુમલો થયો હતો. રાજકીય મનદુઃખ ના કારણે વિમલ ચુડાસમાએ હુમલો કર્યો હતો. વિમલ ચુડાસમાએ ફરિયાદ રાજકીય દ્રેશભાવમાં ફરિયાદ કરી હોવાનું જણાવ્યું હતું.


વિમલ ચુડાસમાએ શું કહ્યું


માળિયા હાટીના કોર્ટે સજા કર્યા બાદ વિમલ ચુડાસમાએ જામીન મળ્યાનો દાવો કર્યો હતો. હવે તેઓ કોર્ટના આદેશને સેશન્સ કોર્ટમાં પડકારશે. આ ઉપરાંત તેમણે કહ્યું, મારી રાજકીય કારકિર્દી ખતમ કરવાના ઈરાદે ફરિયાદ થઈ હતી. ફરિયાદીઓ ભાજપ સાથે જોડાયેલા છે. હું કોંગ્રેસમાંથી કામ કરતો હોવાથી અને ભાજપમાં ન જોડાતાં મારી સામે ગુનો નોંધાયો હતો.


અમદાવાદના કાલુપુરમાં ભર બપોરે યુવકને છરીના ઘા ઝિંકી પતાવી દીધો


રિક્ષામાં ત્રણ શખ્સ જતા હતા ત્યારે પાછળ રિક્ષામાં આવેલા શખ્સોએ પહેલા રિક્ષા પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. જેથી રિક્ષામાં બેઠેલા ત્રણેય શખ્સ ભાગ્યા હતા. તેનો પીછો કરીને આરોપી સાદિક હુસેન અને લીયાકત હુસેને ભેગા મળીને તીક્ષ્ણ હથિયારો વડે પાંચકુવા પાસે જાહેરમાં સબાન અલી મોમીનને ઘા માર્યા હતા. સબાનઅલીને VS હોસ્પિટલ લઈ જવાતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. ફરિયાદી મોહમ્મદ ફૈઝાન અતરવાલા, મૃતકનો માસિયાઈ ભાઈ છે. ફરિયાદીના ભાઈ કાસીમહુસેનને પણ તલવારના ઘા મરાયા હતા. પ્રાથમિક માહિતી પ્રમાણે લગ્ન પ્રસંગમાં જમવાની બાબતમાં ટોકવા જેવી બાબતમાં મનદુઃખ રાખીને આરોપીઓએ હુમલો કર્યો હતો.


સીટીએમમાં ડબલ ડેકર બ્રિજ પરથી યુવતીએ લગાવી છલાંગ


સીટીએમ પાસેના ડબલ ડેકર ઓવરબ્રિજ ઉપરથી ગઈકાલે બપોરે અજાણી યુવતીએ છલાંગ મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે લોકો બચાવવા જાય તે પહેલા યુવતીએ કૂદકો માર્યો હતો.ગંભીર હાલતમાં યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ બનાવનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ કેસની વિગત એવી છે કે પૂર્વ વિસ્તારમાં ખોખરાથી સીટીએમ તરફ જતા ઓવરબ્રિજ ઉપર ગઈકાલે બપોરે એક યુવતીએ અગમ્ય કારણોસર ડબલ ડેકર ઓવર બ્રિજ ઉપરથી કૂદકો  મારતી હોવાની જાણ થતાં લોકોનું ટોળું એકઠું થયું હતું. લોકો બચાવવા જાય તે પહેલા યુવતીએ બ્રિજ ઉપરથી છલાંગ મારી હતી જેથી શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી.   આ બનાવની જાણ થતાં એમ્બ્યુલન્સ આવી પહોચી હતી અને સ્થળ પર સારવાર કરીને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પૂર્વ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગૃહ કલેશના કારણે મહિલાના આપઘાતના બનાવો વધી રહ્યા છે.