ગાંધીનગરઃ રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે ગઈકાલે અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. વરસાદની સાથે સાથે દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન પણ ફૂંકાયો હતો. ભારે પવનને કારણે ગીર સોમનાથના ઉનાના નવા બંદરની 10 કરતા વધારે બોટ દરિયામાં ડૂબી ગયાના અહેવાલ છે. બોટમાં સવાર 8થી 10 જેટલા માછીમારો લાપતા થયાના અહેવાલ છે.
ભારે પવનને કારણે 10 કરતા વધારે બોટ દ રિયામાં ડૂબ્યાની આશંકા છે. આ મામલે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરે ઘટનાની પુષ્ટી કરી છે. એટલું જ નહીં માછીમારો સાથે બોટમાં મુસાફરો હોવાની પણ આશંકા છે.
રાજ્યમાં વરસાદની આગાહી યથાવત
રાજ્યમાં આજે પણ માવઠાનું સંકટ યથાવત છે. વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતો સૌથી વધુ ચિંતિત છે. ઘઉં, ચણા, કપાસ, તુવેર અને શેરડી સહિતના પાકને માવઠાંના કારણે ઘણું નુકસાન થયું છે. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં રખાયેલો ખેતપેદાશોનો જથ્થો પલળી ગયો હોવાના બનાવ પણ રાજ્યમાં ઘણાં સ્થળો પર સામે આવ્યા છે.
આજે રાજ્યના મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. બુધવારે સૌરાષ્ટ્રમાં ફરી એક વાર માવઠાંરૂપી મુસીબત વરસી હતી જેમાં અમરેલી જિલ્લાના ખાંભામાં અને સોમનાથ જિ.ના ઉનામાં ૧ ઈંચ વરસાદ અને ઉના પાસેના કેંદ્ર શાસિત દીવમાં ધોધમાર ૩ ઈંચ વરસાદ વરસાદ નોંધાયો છે.
તાલાલા પંથકના આંબાથી માંડીને સૌરાષ્ટ્રમાં સોમનાથ,અમરેલી,જુનાગઢ પંથકમાં જીરુ, ઘંઉ, કપાસ, ચણા, લસણ, ડુંગળી સહિતના કૃષિપાકને નુકશાન થયાના તથા માર્કેટ યાર્ડની ખરીદ-વેચાણની કામગીરી ખોરવાઈ ગયાના અહેવાલ મળ્યા હતા. તો દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના ઉમરપાડામાં દોઢ ઇંચ જ્યારે કામરેજ, બારડોલી, ચોર્યાસી, માંગરોળ, પલસાણા અને સુરત સિટીમાં અડધો ઇંચ વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું હતું.
ગીર સોમનાથમાં કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. સુત્રાપાડાના પ્રાસલી માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો મોટો જથ્થો પાણીમાં પલળી જતાં મોટુ નુકસાન થયું છે. લગભગ 200 થી 300 ગુણી જથ્થો પલળ્યો હોવાની સંભાવના છે. આ જથ્થાને ટેકાના ભાવે ખરીદવાનો હતો પણ હાલ મગફળીનો જથ્થો રવાના કરી દેવાયો છે.