Gir Somnath:  ગીર સોમનાથના સૂત્રાપાડામાં નકલી નિમણૂક પત્ર બનાવી લાખો રૂપિયાની છેતરપિડી કર્યાના મોટા રેકેટનો પર્દાફાશ થયો હતો. મળતી જાણકારી અનુસાર, સૂત્રાપાડામાં યુવક યુવતીઓને સરકારી નોકરી અપાવી દેવાની લાલચ આપી ખોટા નિમણૂક પત્રો બનાવી આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇ હતી. આ કૌભાંડના તાર જૂનાગઢ અને કડી સુધી પહોંચ્યા હતા. પોલીસે આ મામલે ત્રણ જણાની ધરપકડ કરી હતી.




મળતી માહિતી અનુસાર, તાલાલા તાલુકાના મોરુકા ગામના કાનજી જીવાવાળા નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી કે તેમના સંતાનોને નોકરી અપાવવા સૂત્રાપાડાના ઘંટીયા ગામે જ્યોતિબા ફૂલે નામની એકેડમી ચલાવતા જેઠા ઉર્ફે સુભાષ ચૂડાસમા નામના શખ્સને ત્રણ લાખ રૂપિયા આપ્યા હતા. આ વ્યક્તિ પોતે આરોગ્ય વિભાગમાં નોકરી કરે છે અને તો જ્યોતિ બા ફૂલે એકેડેમીનો પ્રમુખ હોવાનું કહી સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ કરવાનું કહેતો હતો. તેણે ત્રણ લાખ રૂપિયા લીધા હતા અને સચિવાલય કારકુન અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ ભરતીના ઓફર લેટર આપ્યા હતા. જોકે આખરે ભાંડો ફૂટતા જેઠાભાઇએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ગીર સોમનાથ પોલીસે આ મામલે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો અને તપાસનો રેલો જૂનાગઢ અને કડી સુધી પહોંચ્યો હતો.


ગીર સોમનાથના એસપી મનોહરસિંહ જાડેજાએ કહ્યું હતું કે આ મામલે કુલ ત્રણ આરોપી ની ધરપકડ કરી છે. આ કૌંભાંડનાં તાર જૂનાગઢ અને કડી સુધી જોડાયેલા છે. આરોપીઓ અલગ અલગ સરકારી નોકરીના ખોટા નિમણૂક પત્ર બનાવતા તેમાં આઇએએસ અને આઇપીએસ અધીકારીઓની સહી પણ જાતે જ કરતા હતા.

આરોપીઓની ઓળખ સૂત્રાપાડાનો જેઠાભાઈ ઉર્ફે સુભાષ બચુભાઇ ચૂડાસમા, જૂનાગઢના હરસુખલાલ પુનાભાઇ ચૌહાણ જે એક્સ આર્મી મેન છે. જ્યારે કડીમાંથી આરોપી નીલકંઠ ઉર્ફ પિંટુ પટેલ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ અત્યાર સુધીમાં 22 થી વધુ લોકોને ઠગી ચૂક્યા છે. આરોપીઓ પાસેથી અનેક નકલી નિમણૂક પત્ર મળી આવ્યા છે. આરોપીઓ એક વ્યક્તિ દીઠ ત્રણ લાખથી વધુ રૂપિયા ઉઘરાવતા હતા. આરોપીઓ અત્યાર સુધીમાં 999 લાખ રૂપિયા ઉઘરાવી ચૂક્યા છે.

જેઠાભાઇ ઉર્ફે સુભાષ બચુભાઇ ચુડાસમાં સૂત્રાપાડાના ઘંટીયા પ્રાચીમાં રહે છે. જૂનાગઢ જિલ્લાના હરસુખલાલ પુનાભાઇ ચૌહાણની ધરપકડ કરાઇ હતી. મહેસાણાના કડીમાંથી નિલકંઠકુમાર જયંતિલાલ પટેલ ઉર્ફે પિન્ટુ પટેલની પણ ધરપકડ કરાઇ હતી. સુભાષ ચૂડાસમા ડિફેન્સ અને પોલીસ ભરતી માટેની એકેડમી ચલાવે છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી.કલમ ૪૧૯, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૧૪ મુજબનો ગુનો દાખલ કરાયો હતો. 20 થી પણ વધુ લોકોને લેટરો અપાયાની આશંકા છે.