Driver Strike: કેન્દ્ર સરકારના નવા અકસ્માતના કાયદાને લઇને રાજ્યમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન શરૂ થયા છે. રાજ્યમાં મહેસાણાથી લઇને રાજકોટ, સુરતથી લઇને ગીર અમદાવાદ, સોમનાથ અને ભરૂચ સહિતના ટ્રક ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા છે. આજે વહેલી સવારથી જ ટ્રક ડ્રાઇવરોએ ઠેર ઠેર ચક્કાજામ કરીને વિરોધ વ્યક્ત કર્યો છે. ટ્રક ડ્રાઇવરોએ ક્યાંક ટાયરો સળગાવ્યા તો ક્યાંક ટ્રક એકતા જિંદાબાદના નારા લગાવીને સરકાર સામે બાંયો ચઢાવી હતી. ઉલ્લેખનીય છે કે, નવા અકસ્માત કાયદામાં હિટ એન્ડ રન થવા પર ડ્રાઇવરોને 10 વર્ષની જેલની સજા સાથે લાખોના દંડની જોગવાઇ છે, જેને લઇને વિરોધ વધુ ઉગ્ર બન્યો છે.
આજે વહેલી સવારથી જ રાજ્યમાં ટ્રકના પૈડા થંભી ગયા છે. આજે સામે આવલા દ્રશ્યોમાં ભરૂચમાં નેશનલ હાઈવે નંબર ૪૮ પર અંકલેશ્વર નજીક ચક્કાજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ટ્રક ડ્રાઇવરોએ વિરોધ પ્રદર્શન કરવા આખા રૉડ પર ચક્કાજામ કર્યુ હતુ. તેઓએ સાથે નારા પણ લગાવ્યા હતા કે, ટ્રક એકતા જિંદાબાદ, ખાસ વાત છે કે, નેશનલ હાઇવે પર આશરે 2 થી 4 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ થયો હતો.
આજે મહેસાણા જિલ્લામાં ટ્રક ડ્રાઇવરની હડતાળમાં મોટી સંખ્યામાં ટ્રક ડ્રાઇવરો જોડાયા હતા. હિટ એન્ડ રનના કાયદાનો અહીં પણ જોરદાર વિરોધ જોવા મળ્યો હતો. મહેસાણા જિલ્લાની ખેરાલુની વંદાવન ચોકડી પર મોટી સંખ્યામાં ટ્રક ડ્રાઇવરે ચક્કાજામ કર્યુ હતુ, અહીં રૉડ પર ટાયર સળગાવી ચક્કાજામ કરાયુ હતુ. હડતાળના પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને કોડીનાર હાઇવે પર પ્રાચી નજીકના હાઇવે રૉડ પર ટ્રકોનો મોટો ખડકલો જોવા મળ્યો હતો. અહીં પણ મોટી સંખ્યામાં ટ્રક ડ્રાઇવર વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. ટ્રક ડ્રાઇવરોએ વિરોધની સાથે સાથે ટ્રક એકતા જિંદાબાદના નારા લગાવ્યાં હતા.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ટ્રક ડ્રાઇવરો આજે વહેલી સવારથી જ હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં ઉતર્યા છે. નવા અકસ્માત કાયદાને લઈને ઠેર ઠેર ચક્કાજામ કરવામાં આવી રહ્યો છે. નવા કાયદા મુજબ હિટ એન્ડ રનની ઘટનામાં ડ્રાઇવરોને 10 વર્ષ સજાની જોગવાઇ અને સાથે લાખોના દંડ છે. જેનો પુરજોશમાં વિરોધ ચાલી રહ્યો છે. ડ્રાઇવરોની માંગ છે કે, આ હિટ એન્ડ રન અકસ્માતનો કાયદો પાછો ખેંચવામાં આવે.