ગીર ગઢડાઃ ગીર સોમનાથમાં મહિલા હેલ્પ લાઇન 181ની વધુ એક ઉત્તમ કામગીરી સામે આવી છે. ગીર ગઢડામા પરિવારે પ્રેમી સાથેના સંબંધો તોડી નાંખવા ઠપકો આવતાં યુવતીને લાગી આવ્યું હતું અને આત્મહત્યા કરવાનું નક્કી કરી લીધું હતું. જોકે, 181 અભયમની ટીમને જાણ થતાં યુવતીનું કાઉન્સેલિંગ કરી તેને સમજાવી હતી. તેમજ તેના પરિવારના સભ્યોને પણ સમજાવ્યો હતો. 


આ અંગે મળતી વિગતો પ્રમાણે, ગીર ગઢડાની યુવતીને ગામના જ યુવક સાથે પ્રેમસંબંધ હતા. થોડા દિવસ પહેલા તે બજારમાં ખરીદી માટે ગઈ ત્યારે પોતાના બોયફ્રેન્ડને પણ મળવા ગઈ હતી. આ વાતની જાણ થતાં પરિવારજનોને થઈ જતા તેમણે ઠપકો આપ્યો હતો અને પ્રેમસંબંધ તોડી નાાંખવા જણાવ્યું હતું. 


આમ, પ્રેમસંબંધમાં આંધળી બનેલી યુવતીને લાગી આવ્યું હતું અને આત્મહત્યા કરવાન ઇરાદે ઘરેથી નીકળી ગઈ હતી. જોકે, આ અંગે મહિલા હેલ્પલાઇનને જાણ થતાં તેમણે યુવતીનું કાઉન્સિલિંગ કરી પરીવારજનો સાથે વાતચીત કરી આત્મહત્યાના વિચારથી મુક્ત કરી હતી.


યુવતીનું કાઉન્સેલિંગ કર્યા પછી અભયમની ટીમે યુવતીના માતા-પિતાને બોલાવ્યા હતા. તેમજ તેમનું પણ કાઉન્સેલિંગ કરી કાયદાકીય સમજણ આપી હતી. સાથે યુવતીને પણ સમજાવી સમાધાન કરાવ્યું હતું.