અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યા પછી હવે ધીમે ધીમે સંક્રમણ ઘટી રહ્યું છે તેમજ રિકવરી રેટ પણ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. ત્યારે ડાંગ જિલ્લાથી થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. તેમજ છેલ્લા બે દિવસમાં 14 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 


હવે ડાંગ જિલ્લો ગમે ત્યારે કોરોનામુક્ત બને તેવી આશા જાગી છે. અત્યારે ડાંગ જિલ્લામાં કોરોનાના માત્ર 34 એક્ટિવ કેસો છે. ત્યારે રિકવરી રેટ જોતા ગમે ત્યારે જિલ્લો કોરોનામુક્ત બની શકે છે. કારણ કે, નવા કેસોનું પ્રમાણ ખૂબ જ ઘટી ગયું છે. ગુજરાતમાં અત્યારે ડાંગ અને છોટાઉદેપુર બે જ જિલ્લા એવા છે, જ્યાં 100થી ઓછા એક્ટિવ કેસો છે. છોટાઉદેપુરમાં 97 એક્ટિવ કેસો છે. 


રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. ગઈકાલે રાજ્યમાં 2521 નવા કેસ નોંધાયા હતા અને 27 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9761 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં ગઈકાલે 7965 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.



રાજ્યમાં અત્યાર સુધી 7,50,015 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 43611 પર પહોંચ્યો છે. જેમાંથી 562 દર્દી વેન્ટિલેટર પર અને 43049 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 93.36  ટકા છે. 



જોકે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાંથી મોટા રાહતના સમાચાર આવ્યા છે. ગઈકાલે પાંચ જિલ્લા એવા રહ્યા જ્યાં કોરોના વાયરસના નવા કેસની સંખ્યા 10 કરતાં પણ ઓછી રહી જ્યારે એક જિલ્લામાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો ન હતો. મોરબીમાં 6, તાપીમાં 6, છોટા ઉદેપુરમાં 2 અને બોટાદમાં કોરોના વાયરસનો એક નવો કેસ નોંધાયો હતો જ્યારે ડાંગ જિલ્લામાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો ન હતો. જ્યારે મોરબીમાં 52, તાપીમાં 131, બોટાદમાં 28 અને ડાંગમાં 7 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.