Hit And Run: બનાસકાંઠામાં એક હિટ એન્ડની ઘટના સામે આવી છે. કાંકરેજના થરામા હિટ એન્ડ રનની ઘટનામાં બાળકીનું મોત નિપજ્યું છે. થરા નજીક ચાલતી જઈ રહેલી બાળકીને કાર ચાલકે અડફેટે લીધી હતી. કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. અંદાજીત 10 વર્ષની બાળકીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. સ્થાનિક લોકોએ અકસ્માત સર્જનાર કાર ચાલકને રોકવાની કોશિશ કરવા છતા કાર ચાલક ફરાર થઈ ગયો હતો. થરા પોલીસે હિટ એન્ડ રનની ઘટના મામલે તપાસ હાથ ધરી છે.


મહીસાગર જિલ્લામાં સમાજ સુરક્ષા વિભાગની મોટી કાર્યવાહી


મહીસાગર જિલ્લામાં સમાજ સુરક્ષા વિભાગે 8 સગીરના લગ્ન અટકાવ્યા હતા. મળતી જાણકારી અનુસાર, મહીસાગર જિલ્લામાં ખાનપુર તાલુકામાં મેણા ગામે લગ્નની તમામ તૈયારી થઈ રહી હતી ત્યારે એક અરજીના આધારે સમાજ સુરક્ષા વિભાગે પોલીસ સાથે રાખી લગ્ન સ્થળ પર ઓચિંતી મુલાકાત લીધી હતી.


મળતી જાણકારી અનુસાર, સમાજ સુરક્ષા વિભાગે ખાનપુર તાલુકામાં મેણા ગામે બે લગ્નપ્રસંગમાં 3 સગીરના લગ્ન અટકાવ્યા હતા. તે સિવાય લુણાવાડા તાલુકાના જુના મુવાડા ગામે પણ બે લગ્નમાં તપાસ કરતા ચાર સગીર બાળકો તેમજ અન્ય પક્ષમાં એક સગીર બાળા મળી 5 બાળ લગ્ન અટકાવવામાં આવ્યા હતા. લગ્ન પ્રસંગમાં તમામ વાલીઓ પાસેથી લગ્ન ન કરાવવા અંગે બાહેધરી પત્ર લખાવવામાં આવ્યા હતા.


આગામી ચાર દિવસ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી


ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાનું સંકટ યથાવત છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ચાર દિવસ સુધી કમોસમી વરસાદ પડશે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજસ્થાનમાં સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં પહેલી મે સુધી ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસશે. સાથે જ અમદાવાદમાં પણ વરસાદી માહોલ રહેશે.


આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ડાંગ, નર્મદા, તાપી, રાજકોટ, અમરેલી અને કચ્છમાં કમોસમી વરસાદ વરસશે. તો આવતીકાલે રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ, કચ્છ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ સાથે જ ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. તો 30 એપ્રિલે અમરેલી, રાજકોટ, ભાવનગર, બોટાદ, કચ્છ અને અરવલ્લીમાં માવઠું પડશે. પ્રથમ મે ના રોજ  અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, અરવલ્લીમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.