જૂનાગઢ: રાજ્યમાં કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનું રણશીંગુ ફુકાઈ ચૂક્યું છે. આગામી 19 જૂને સવારથી સાંજ સુધી મતદાન યોજાશે. મતદાન બાદ 23 જૂને મતગણતરી થશે અને તે જ દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. જો કે, આ પહેલા દરેક રાજકીય પાર્ટીઓ દ્વારા આરોપપ્રત્યારોપનો દૌર શરુ થઈ ગયો છે.

વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઉમદવાર ગોપાલ ઈટાલીયાએ સૌથી પહેલા પ્રચાર શરુ કરી દીધો હતો. તેઓ છેલ્લા 50થી વધુ દિવસથી આ વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે. તાજેતરમાં તેમણે ચોકલી,વડાલ સહિતના ગામડાઓમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ગોપાલ ઇટાલિયાનું ગામડામાં સ્વાગત કરવામાં આવ્યું હતું. ગોપાલ ઈટાલીયાએ ગામડાઓના મંદિર અને હવેલીના દર્શન કર્યા હતા. આ ઉપરાંત ગામડાના ખેડૂતોથી લઈ અને વેપારીઓ સાથે વાત કરી હતી. મહેશગીરીનું નામ લીધા વિના ગોપાલ ઇટાલીયા એ કહ્યું હું ભગવાનમાં નથી માનતો એ કોણ નક્કી કરે છે.

ગોપાલ ઇટાલીયાએ કહ્યું સૌથી મોટો મુદ્દો મંડળીઓનું કૌભાંડ

તેમણે કહ્યું કે, ભેસાણ વિસાવદરમાં સૌથી મોટો મુદ્દો સહકારી મંડળીઓમાં થયેલું કરોડોનું કૌભાંડ છે. આ ઉપરાંત કૃષિ મંત્રી ઘણા સમયથી અહીં ફરે છે ખેડૂતોને ઉનાળુ પાકમાં નુકસાનને લઈને સહાય મળવી જોઈએ. અહીં ખેતી અને ખેડૂતોનો સૌથી મોટો મુદ્દો છે. આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ સહકારી મંડળીઓમાં ભ્રષ્ટાચાર મામલે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે ભાજપ ઉમેદવાર કિરીટ પટેલ પર આક્ષેપ કર્યા છે.

સહકારી બેંકના ચેરમેન બનવા નકલી 60 જેટલી સહકારી મંડળીઓ ઉભી કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. ખેડૂતોના નામે લોન અને રોકડ લઈ ખેડૂતોને જ નોટિસ ફટકારી ઉઘરાણી શરૂ કરાઈના આક્ષેપ કરવામાં આવ્યા છે. મંડળીના ભ્રષ્ટાચારને લઈને ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ચેરમેન પદ મેળવવા ખોટી રીતે મત મેળવવા સહકારી મંડળીઓમાં ખોટા સભ્ય બનાવી દીધાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. કરોડો રૂપિયાના કૌભાંડ કર્યા હોવાની પોલીસના ફરિયાદ નોંધાવાઈ પણ ખેડૂતોને ન્યાય ન મળ્યો હોવાનો ઈટાલીયાએ મત વ્યક્ત કર્યો છે.

વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત માંડણપરા ગામ ખાતે આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયા દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો.ગામની મધ્યમાં સભા સંબોધી ગોપાલ ઈટાલીયા દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવેલ. આ તકે બોગસ મતદાન ન થાય તેની તકેદારી રાખવા ગ્રામ લોકોને ગોપાલ ઈટાલીયાએ અપીલ કરી હતી. ભાજપ દ્વારા બોગસ મતદાન કરવામાં આવતા હોવાના આડકતરી રીતે ઈટાલીયા દ્રારા આક્ષેપ કરાયા હતા. જો કે આ તકે તેઓએ મહેશગિરી બાપુ દ્વારા કરવામાં આવેલ ગોપાલ ઈટાલીયાએ ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડી હોવાના નિવેદન પર કઈ જ બોલવાનું ટાળ્યું હતું.

માંડણપરા પહોંચ્યા પહેલા વાંદરવડ ગામ ખાતે ખેડૂતોને સહકારી મંડળીમાં અન્યાય થયા મામલે લોકોની મુલાકાત લીધી હતી. વાંદરવડમાં ગઈકાલે ગામ લોકો દ્વારા કિરીટ પટેલ સમક્ષ સહકારી મંડળીમાં અન્યાય થયા મામલે રજુઆત કરતી સમયે પોલીસે રોક્યાના ઈટાલીયાએ આક્ષેપ કર્યા હતા. વાંદરવડમાં ખેડૂતે સહકારી મંડળીના ભ્રષ્ટાચાર અને અણધડ વહીવટને લઇ ભૂતકાળમાં આપઘાત કરેલના પણ ઈટાલીયાએ આક્ષેપ કરેલ હતા..