અમરેલીની પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક જોવા મળ્યા હતા.  પોલીસે દીકરીને પટ્ટા માર્યા હોવાથી ગોપાલ ઈટાલિયાએ પણ પોતાની જાતે જ શરીર પર પટ્ટા માર્યા હતા. ઈટાલિયાએ કહ્યું, પોલીસે દીકરીને પટ્ટા માર્યા તો હું પોતાને પટ્ટા મારીશ. ગોપાલ ઈટાલિયાએ કહ્યું,  ગુજરાતનો આત્મા જાગવો જોઈએ...દીકરીને પોલીસે કેવી રીતે પટ્ટા મારી શકે તેમ કહી પોતાને જ પટ્ટા  માર્યા હતા.  તેમણે કહ્યું, ગુજરાતમાં દીકરીઓ પર અત્યાચાર  સાંખી નહીં લેવાય.  



અમરેલી લેટરકાંડની પીડિતા સાથે કોંગ્રેસ નેતાઓએ ઘરે જઇને મુલાકાત કરી હતી. આ દરમિયાન પીડિતાએ 3 દિવસ દરમિયાન પોલીસે તેની સાથે શું કર્યું તેની આપવીતી જણાવી હતી. આ દરમિયાન પીડિત દીકરીએ કહ્યું કે, પોલીસે તેને ડરાવી હતી અને પગમાં પટ્ટા માર્યા હતા. આ નિવેદન બાદ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ એક કાર્યક્રમમાં  જાહેર મંચ પરથી પોતાની જાતને  જ  પટ્ટા મારીને કહ્યું, કે ગુજરાતનો આત્મા જાગવો જોઈએ.   


અમરેલીની નિર્દોષ દીકરીને અમરેલી પોલીસે બેરહમીથી  પટ્ટા માર્યા હતા ત્યારે ગોપાલ ઈટાલીયાએ ન્યાય ન અપાવી શક્યા બદલ પોતાને જાહેર મંચ પર પટ્ટા મારીને સજા કરી હતી.  


શું છે સમગ્ર મામલો


આ સમગ્ર પ્રકરણની શરૂઆત એક નકલી લેટરપેડથી થઈ હતી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરીયા પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા, જેના કારણે તેમના સમર્થકો ગાંધીનગર સુધી રજૂઆત કરવા પહોંચ્યા હતા. આ મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમ સહિતની ટીમોએ તપાસ શરૂ કરી હતી અને ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારા ભાજપના પૂર્વ હોદ્દેદાર સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી. પોલીસ પાયલ ગોટીને લઈ ગઈ હતી અને તેને માર મારવામાં આવ્યો હોવાનો આરોપ છે.


આ ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના નામવાળો એક બોગસ લેટરપેડ સોશિયલ મીડિયા પર ફરતો થયો. આ બાબતે કાનપરીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી, જેના પગલે પોલીસે ભાજપના એક પૂર્વ હોદ્દેદાર સહિત ચાર લોકોની ધરપકડ કરી. જો કે, વિવાદ ત્યારે વધુ ઉગ્ર બન્યો જ્યારે પોલીસે આ કેસમાં સંડોવાયેલી અને ટાઈપિસ્ટ તરીકે કામ કરતી પાટીદાર યુવતીનું જાહેરમાં સરઘસ કાઢ્યું, જેના કારણે ભારે વિરોધ થયો.


અમરેલીના ચર્ચાસ્પદ લેટરકાંડ કેસમાં આરોપી પાટીદાર યુવતી પાયલ ગોટીને જામીન મળી ગયા હતા.  કોર્ટ પરિસરમાં હાજર પાટીદાર સમાજના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.