Gordhan Zadafia alcohol remark: "ઘરમાં પીળું પાણી રાખતા હોવ તો બંધ કરી દેજો" નિવેદનને લઈને વિવાદોમાં ઘેરાયેલા ગુજરાતના રાજકારણી ગોરધન ઝડફિયાએ આ મુદ્દે ખુલાસો આપ્યો છે. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે આ નિવેદન સમાજના એક કાર્યક્રમમાં સમાજ માટે કરવામાં આવ્યું હતું અને તેનો કોઈ ખોટો હેતુ નહોતો. જો તેમના શબ્દોથી કોઈની લાગણી દુભાઈ હોય તો તેઓ માફી માંગવા પણ તૈયાર છે.
ગોરધન ઝડફિયાએ પોતાના ખુલાસામાં જણાવ્યું હતું કે, "સમાજનો કાર્યક્રમ હતો એટલે સમાજ માટે વાત કરી હતી અને મેં દરેક સમાજની વાત કરી હતી. આગામી દિવસોમાં સમાજ સામે વ્યસન સહિતના ખૂબ મોટા પડકારો આવી રહ્યા છે." તેમણે ઉમેર્યું હતું કે, "મેં એવા કોઈ ખોટા હેતુ સાથે વાત કરી નહોતી. મારો સમાજ ગૌરવશાળી સમાજ છે. પાટીદાર સમાજની શૈક્ષણિક અને આરોગ્ય સંસ્થાઓમાં દરેક સમાજને લાભ મળે છે."
ઝડફિયાએ વધુમાં કહ્યું હતું કે, "પરંતુ, આપણે ક્યાં જઈને અટકવું તે ચોક્કસપણે સમાજે વિચારવું પડશે. આ મારું સૂચન છે, મને મારા સમાજને પણ કહેવાનો અધિકાર નથી. દરેક સમાજ માટે મેં મારા હૃદયની પીડા વ્યક્ત કરી છે. દરેક સમાજ અને પરિવારે ચિંતન કરવું જોઈએ." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, "એજ્યુકેશન એટલે માત્ર ડિગ્રી નહીં પરંતુ, પગ પર ઊભા રહેવું, સ્ટાર્ટ અપ અને ઇનોવેશન છે."
પોતાના નિવેદનથી કોઈને ઠેસ પહોંચી હોય તો માફી માંગતા ગોરધન ઝડફિયાએ કહ્યું હતું કે, "મારા વક્તવ્યથી કોઈની લાગણીને ઠેસ પહોંચી હોય તો હું માફી માગું છું. મારી ટિપ્પણી એક સમાજ માટે નથી, દરેક સમાજ માટે છે."
આમ, ગોરધન ઝડફિયાએ તેમના નિવેદન પર સ્પષ્ટતા રજૂ કરી છે અને સમાજના પડકારો વિશે ચિંતા વ્યક્ત કરતા તમામ સમાજોને સાથે મળીને વિચારવાની અપીલ કરી છે. સાથે જ, તેમણે પોતાના શબ્દોથી કોઈની લાગણી દુભાઈ હોય તો માફી પણ માંગી છે.
નોંધનીય છે કે, સુરતમાં મહિલા PSI ઉર્વીશા મેંદપરાએ પાટીદાર યુવાનોમાં વધી રહેલા દારૂના વ્યસન અંગે કરેલી ટિપ્પણી બાદ સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે હવે ભાજપના નેતા ગોરધન ઝડફિયાએ કડીમાં 72 ચુંવાળ કડવા પાટીદાર સમાજના સમૂહલગ્નમાં જાહેરમાં આ મુદ્દે ભારપૂર્વક વાત કરી હતી. તેમણે યુવાનોને "પીળું પાણી" છોડી દેવા અને શિક્ષણ પર ધ્યાન આપવા અનુરોધ કર્યો હતો.
કડીમાં આયોજિત 57મા સમૂહલગ્ન પ્રસંગે સંબોધન કરતા ગોરધન ઝડફિયાએ જણાવ્યું હતું કે, "ઘરમાં પીળું પાણી રાખતા હોય તો મહેરબાની કરીને બંધ કરી દેજો. કદાચ તમને એવું લાગતું હશે કે અત્યારે 21મી સદી ચાલી રહી છે, પરંતુ જ્યારે તમારા ઘરમાં રહેલ દીકરી અથવા પત્નીને પૂછી જોજો એ પછી તેનું પરિણામ શું આવે છે." તેમણે ઉમેર્યું કે, સમાજમાં પરિવર્તન લાવવું જરૂરી છે અને જો નેતાઓ પરિવર્તન ન લાવી શકે તો તેમણે હોદ્દા પર રહેવાનો કોઈ અધિકાર નથી. ઝડફિયાએ શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે, આજના ડિજિટલ યુગમાં શિક્ષણ વિના પ્રગતિ શક્ય નથી. તેમણે સમાજને વાડી કે ભવન બનાવવાને બદલે શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવા આહવાન કર્યું. વધુમાં, તેમણે યુવાનોને બાપદાદાઓની જમીનનું રક્ષણ કરવા અને માત્ર જરૂરિયાત હોય તો જ વેચવા, ખાસ કરીને મોજશોખ માટે વેચવાનું ટાળવા સલાહ આપી હતી.
આ પણ વાંચો....
પાટીદાર સમાજનાં લોકો પોતાના ઘરમાં પીળું પાણી રાખતા હોઈ તો બંધ કરી દેજો, ગોરધન ઝડફિયાની ટકોર