ગાંધીનગર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત બાદ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.  સીઆર પાટીલે પ્રેસ કૉન્ફરન્સમાં સંકેત આપ્યા કે ભારતીય જનતા પાર્ટીને નવા પ્રદેશ અધ્યક્ષ મળશે. હવે પછીની ચૂંટણી નવા પ્રદેશ અધ્યક્ષની આગેવાનીમાં લડાશે.  એક વ્યક્તિ એક પદ પ્રમાણે સીઆર પાટીલના સ્થાને અન્ય પ્રદેશ અધ્યક્ષની ટૂંક સમયમાં જ જાહેરાત થશે. હવે પછીની ચૂંટણીઓ ભાજપ નવા પ્રદેશ પ્રમુખના નેતૃત્વમાં લડશે.


ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની મુદ્દત પૂરી થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી નથી.  રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત થઈ છે. હવે ટૂંક સમયમાં નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરવામાં આવી શકે છે.  મીડિયામાં ચાલી રહેલી ચર્ચાઓ મુજબ, ભાજપના પ્રદેશ પ્રમુખ ઉત્તર ગુજરાત અથવા સૌરાષ્ટ્રમાંથી કોઈ નેતા હોઈ શકે છે.


ચૂંટણી  પરિણામમાં ભાજપની ભવ્ય જીત


ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી  પરિણામમાં ભાજપની ભવ્ય જીત થઈ છે.  68 નગરપાલિકા પૈકી 60 નગરપાલિકા પર ભાજપે કબજો કર્યો છે. જ્યારે કૉંગ્રેસના ખાતામાં એક માત્ર સલાયા પાલિકા આવી છે. પોરબંદર જિલ્લાની કુતિયાણા અને રાણાવાવ પાલિકામાં ધારાસભ્ય કાંધલ જાડેજાનો દબદબો રહ્યો છે.  આ બંને નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીની જીત થઈ છે. 


ધારાસભ્ય કાંધલ જાડેજાનો દબદબો


કુતિયાણા પાલિકામાં ઢેલીબેન ઓડેદરાના એકચક્રી શાસનનો અંત આવ્યો છે.  ઢેલીબેન 1995થી કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ હતા. તેમની તો જીત થઈ  પરંતુ ઢેલીબેને કુતિયાણા પાલિકા ગુમાવી છે. જૂનાગઢની ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીમાં મોટો અપસેટ જોવા મળ્યો. કૉંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા ખુદ પાલિકાની ચૂંટણીમાં હારી ગયા હતા.  એટલું જ નહીં તેઓ ચોરવાડ પાલિકા પણ જીતાડી ન શક્યા. 


જૂનાગઢમાં ગિરીશ કોટેચાના પુત્રની હાર 
 
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ મોટો ઉલટફેર જોવા મળ્યો હતો.  જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે પોતાનો ગઢ તો સાચવી રાખ્યો પરંતુ જૂનાગઢના 6 વખત ડેપ્યુટી મેયર રહેલા ગિરીશ કોટેચાના દબદબાનો અંત આવ્યો છે. આ વખતે ચૂંટણીમાં ભાજપે ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાને મેદાનમાં ઉતાર્યા હતા. જો કે, તેમના પુત્રની હાર થઈ હતી.  આમ જૂનાગઢ મહાનગરપાલિકામાં કોટેચા પરિવારની હાર થઈ છે.   ગાંધીનગર, કપડવંજ અને કઠલાલ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે.  


માંગરોળમાં બસપા કિંગ મેકર 


જૂનાગઢ જિલ્લામાં પણ ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે. જૂનાગઢ જિલ્લાની માંગરોળ નગરપાલિકામાં ટાઈ થઈ છે. અહીં ભાજપ અને કૉંગ્રેસને 15-15 બેઠકો મળી છે. જ્યારે માયાવતીની પાર્ટી બહુજન સમાજપાર્ટીએ અહીં 4 બેઠકો પર જીત મેળવી છે.  બસપાના ઉમેદવારો જેની સાથે જશે તેમની પાલિકામાં સત્તા આવશે. 


5 હજાર ઉમેદવારો મેદાનમાં હતા 


સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 5775 દાવેદારો મેદાનમાં ઉતર્યા હતા અને કુલ 36 લાખ 71 હજાર 479 મતદારોને મતાધિકાર મળ્યો હતો. રાજ્યમાં પાલિકા-પંચાયતના યોજાયેલા મતદાનમાં ઘણા મતદાન મથકો પર મતદારોની લાંબી લાંબી કતારો પણ જોવા મળી હતી.