Amreli News: અમરેલીની શાંતાબા હોસ્પિટલની નવેમ્બર 2022 ઘોર બેદરકારી સામે આવી હતી. હોસ્પિટલની બેદરકારીના કારણે મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓએ આંખની રોશની ગુમાવી હતી. અંદાજે 25 જેટલા દર્દીઓને ઓપરેશન બાદ અસર જોવા મળી હતી. આ ઘટના બાદ દર્દીઓને અન્ય શહેરમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા .કેટલાક દર્દીઓને રાજકોટ અને ભાવનગર ખસેડાયા હતો, તો 4 જેટલા દર્દીઓને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આ ઘટનામાં 12 દર્દીઓને અસર થઈ હતી. સમગ્ર બનાવ અંગે ફરિયાદ ઊઠતાં રાજ્ય સરકાર દ્વારા તપાસ અર્થે ‘તજજ્ઞોની સમિતિ’ બનાવાઈ હતી.


કેટલું વળતર ચુકવવા કર્યો આદેશ


અમરેલીની શાંતાબા હોસ્પિટલ અંધાપા કાંડ મામલે રાજ્યના આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરી છે. અસરગ્રસ્ત 12 દર્દીઓને વળતર ચુકવવા શાંતાબા હોસ્પિટલને આદેશ આપવામાં આવ્યો છે. 10 દિવસની અંદર વળતર ચુકવી આરોગ્ય વિભાગને જાણ કરવા જણાવાયું છે. આ ઘટનામાં 12 દર્દીઓને અસર થઈ હતી. કેટલાક દર્દીઓએ દ્રષ્ટી ગુમાવી તો કેટલાક દર્દીઓને આંશિક અસર થઈ હતી. ગત 16 નવેમ્બરથી 23 નવેમ્બર દરમિયાન અમરેલીની આ હોસ્પિટલમાં આંખના ઓપરેશન બાદ આડઅસર થઈ હતી.


સંપૂર્ણ દ્રષ્ટી ગુમાવનાર દર્દીને 10 લાખ અને આંશિક અસર પામેલા દર્દીઓને 5 લાખ વળતર ચુકવવા આદેશ કરવામાં આવ્યો છે. સારવાર દરમિયાન દ્રષ્ટી પરત મેળવનાર દર્દીને 2 લાખનું વળતર ચુકવવા આદેશ કરવામાં આવ્યો છે. 




ગ્રાન્ટ પણ દંડ પેટે કાપી લેવામાં આવશે


આ મામલે તપાસ સમિતિની રચના થઈ હતી. તપાસ સમિતિના અહેવાલમાં પણ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી હતી. ઈન્ફેક્શન કંટ્રોલ પોલિસી અંતર્ગત યોગ્ય પગલા પણ લેવાયા ન હતા.


આ ઘટનાક્રમમાં સામેલ તબીબોની સામે મેડીકલ કાઉન્સીલ પણ પગલા ભરશે. ઉપરાંત હોસ્પિટલ ટ્રસ્ટ સાથે સંકળાયેલી હોવાથી ચેરીટી કમિશ્નર પણ કાર્યવાહી કરશે. શાંતાબા મેડીકલ કોલેજને રાજ્ય સરકાર તરફ મળવા પાત્ર ગ્રાન્ટમાંથી 5 કરોડની ગ્રાન્ટ પણ દંડ પેટે કાપી લેવામાં આવશે.


ઘટના સમયે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટે ડોક્ટરોનો કર્યો હતો બચાવ


આ સમગ્ર ઘટનામાં હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. આર. એમ જીતિયાએ હૉસ્પિટલ અને ઑપરેશન કરનાર ડૉક્ટરોનો ‘બચાવ કરવાનો’ પ્રયત્ન કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, અમારા હૉસ્પિટલના આંખની સારવાર માટેના વિભાગમાં મોતિયાની સારવાર મેળવ્યા બાદ આઠ-દસ લોકોને આંખમાં સોજાની સમસ્યા થઈ હતી. આ સમસ્યાનું કારણ એ હતું કે દર્દીઓને જ્યારે ફૉલોઅપ માટે બોલાવ્યા તેમાંથી કેટલાક સમયસર ન આવ્યા અને આ સમસ્યા થઈ. જે સમયસર આવ્યા તેઓ સાજા થઈ ગયા છે.