GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી અંગે લીધો મહત્વનો નિર્ણય લીધો છે. મળતી જાણકારી અનુસાર, GPSCએ અનામત કેટેગરીના ઉમેદવારોએ પણ પરીક્ષા માટે ડિપોઝીટ ભરવી પડશે. વિવિધ પરીક્ષામાં ઉમેદવારી કર્યા બાદ પરીક્ષા ના આપતા ઉમેદવારો માટે નિર્ણય લેવામાં આવ્યો છે. પરીક્ષા આપનાર અનામત કેટેગરીના ઉમેદવારોને ડિપોઝીટ રિફંડ કરાશે. બિનઅનામત વર્ગના ઉમેદવારોએ 500 રૂપિયા ડિપોઝીટ ભરવા પડશે. અનામત વર્ગના ઉમેદવારોએ 400 રૂપિયા ડિપોઝીટ ભરવી પડશે.
ગુજરાત જાહેર સેવા આયોગ દ્ધારા લેવાતી વિવિધ પ્રાથમિક પરીક્ષાઓમાં અરજી કરનાર ઉમેદવારોની સંખ્યા સામે પરીક્ષામાં ઉપસ્થિત રહેતા ઉમેદવારોની સંખ્યા ક્યારેક ખૂબ જ ઓછી હોય છે. ઉમેદવારી નોંધાવનાર તમામ ઉમેદવારો માટે પ્રશ્નપત્રો છપાવવા, તમામ ઉમેદવારોની સંખ્યાના આધારે સેન્ટરો લેવા, તમામ સેન્ટર પર જરૂરી સ્ટાફની નિમણૂક કરવી વગેરે માટે થતો ખર્ચ તથા આ માટે માનવબળનો વ્યય ધ્યાને લેતા આયોગમાં થયેલ વિચારણાને અંતે હવે પછી જાહેર થનાર પ્રાથમિક પરીક્ષાઓ માટે અરજી કરનાર ઉમેદવારોની સંખ્યાને આધિન આયોગ દ્ધારા જરૂર જણાય ડિપોઝિટ તરીકે લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બિનઅનામત વર્ગના ઉમેદવારોએ 500 રૂપિયા ડિપોઝીટ ભરવા પડશે. અનામત વર્ગના ઉમેદવારોએ 400 રૂપિયા ડિપોઝીટ ભરવી પડશે. જે ઉમેદવારો સંમતિપત્ર સાથે નિયત ફી ભર્યા બાદ પરીક્ષામાં હાજર રહેશે તેઓને આ ફી રિફંડ કરવામાં આવશે. આ ફી માત્ર ડિપોઝીટ તરીકે જ લેવાની રહે છે.
આયોગ દ્ધારા અપાતી તમામ જાહેરાતમાં તથા ન્યૂઝપેપર ફોર્મેટની જાહેરાતમાં પણ આયોગ દ્ધારા નિયત કરાયેલી કોઇ પણ જાહેરાતની પરીક્ષા માટે સંમતિપત્ર માટેની ફી ડીપોઝિટ તરીકે લઇ શકાશે તેવી જોગવાઇ રાખવા તમામ ભરતી કરતી શાખાઓએ તથા ઇ.ડી.પી.સેલએ કાળજી લેવાની રહેશે.
નોંધનીય છે કે તાજેતરમાં જ રાજ્યમાં લાંબા સમયથી સરકારી ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવ્યા છે. મળતી જાણકારી અનુસાર, ગુજરાત જાહેર સેવા આયોગ વર્ષ 2025નું ભરતી કેલેન્ડર જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં જાહેર કરશે. ગુજરાત જાહેર સેવા આયોગના ચેયરમેન હસમુખ પટેલે સોશલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી આ માહિતી આપી હતી. હસમુખ પટેલે પોસ્ટમાં ઉલ્લેખ કર્યો કે સરકારના અલગ- અલગ વિભાગો સાથે પરામર્શ ચાલી રહ્યો છે. તે પૂર્ણ થતા ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવશે. વધુમાં પરીક્ષા દરમિયાન નિયમોને લઈને પોસ્ટ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે GPSCની પરીક્ષાઓમાં પારદર્શક પાણીની બોટલ ઉમેદવારો પરીક્ષા ખંડમાં લઈ જઇ શકશે. તેના પર કોઈ લેબલ કે લખાણ ના હોવું જોઈએ જેથી તેનો ઉપયોગ કોઈ માહિતી લખવા માટે ન કરી શકાય.