ગાંધીનગર: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજિત અલગ-અલગ 6 પ્રાથમિક કસોટી મોકૂફ રાખવામાં આવી છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં આયોજીત અલગ-અલગ 6 પ્રાથમિક કસોટીઓને મોકૂફ રખાઈ છે.
પ્રાધ્યપક ઇમરજન્સી મેડિસિન, સહ પ્રાધ્યાપક ઈમરજન્સી મેડિસિન, સહપ્રાધ્યપક ટીબી એન્ડ ચેસ્ટ, મદદનીશ નેફ્રોલોજી, સહપ્રાધ્યાપક ફેમિલિ મેડિસિન, મદદનીશ પ્રાધ્યાપક ટીબી એન્ડ મેડિસિનની વર્ગ એકની પ્રિલિમ પરિક્ષાઓને મોકૂફ રખાઈ છે. વહિવટી કારણોસર મોકૂફ રખાઈ હોવાનું જાહેર સેવા આયોગ દ્વારા કારણ અપાયું છે. નવી તારીખ નક્કી કરી આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.
આજથી રાજ્યમાં ધો. 9થી 11ના ઓફલાઈન વર્ગો શરૂ
આજથી રાજ્યમાં ધો. 9થી 11માં ઓફલાઈન શિક્ષણ શરૂ થશે. રાજ્ય સરકારે તો ઓફલાઈન શિક્ષણની મંજૂરી આપી દીધી છે જોકે વાલીઓ અને કેટલાક સ્કૂલ સંચાલકોમાં હજુ પણ ઓફલાઈન શિક્ષણ અંગે નિરસતા જોવા મળી રહી છે.
રાજ્યની મોટાભાગની સ્કૂલોમાં હજુ સુધી 50 ટકા પણ વિદ્યાર્થીઓના સંમતિપત્રકો આવ્યા નથી. સરકારે સ્કૂલ ખોલવાની તો મંજૂરી આપી છે પરંતું સ્કૂલોને વિદ્યાર્થીઓના વાલીઓની સંમતિ ફરજીયાત બનાવી છે. ત્યારે 50 ટકા વિદ્યાર્થીઓની હજુ પણ સંમતિ મળી નથી.
સંમતિપત્રકો મળ્યા નથી ત્યારે કેટલીક સ્કૂલો તો હજુ 3થી 4 દિવસ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાના મૂડમાં નથી. થોડા સમય પહેલા ધો. 12ના ઓફલાઈન વર્ગો શરૂ કરાયા હતા પરંતું વિદ્યાર્થીઓ સ્કૂલે જ નથી આવી રહ્યા. ક્યાંક ને ક્યાંક વાલીઓને હજુ કોરોનાનો ડર સતાવી રહ્યો હોવાથી ઓફલાઈન શિક્ષણમાં પાંખી હાજરી જોવા મળી રહી છે. કેટલાક વાલીઓ તો બાળકોનું વેક્સિનેશન ન થાય ત્યાં સુધી સંતાનોને સ્કૂલે મોકલવા તૈયાર નથી.
નોંધનયી છે કે, રાજ્ય સરકારે ધોરણ 12ના વર્ગો શરૂ કરવા મંજૂરી આપતાં છેલ્લા કેટલાક દિવસોથી સંચાલકો ધોરણ 9થી ધોરણ 11ના વર્ગો શરૂ કરવાની મંજૂરી આપવા ઉગ્ર રજૂઆતો કરી હતી. ખાનગી શાળાના સંચાલકોએ ગુરૂવારથી પોતાની રીતે સ્કૂલો શરૂ કરી દેવા ચીમકી આપી હતી પરંતુ બુધવારે ઈદની રજાને પગલે ગુજરાત સરકારની કેબિનેટ મીટિંગ ન મળી શકતાં સંચાલકોએ રાજ્ય સરકારને વધુ બે દિવસ આપ્યા હતા. બાદમાં રાજ્ય સરકારે વર્ગો શરૂ કરવાની મંજૂરી આપી હતી.