અમદાવાદઃ અમદાવાદ અને વડોદરા વિસ્તારમાં મોટર અને રિક્ષામાં ઉપયોગમાં લેવામાં આવતા કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ-CNGના કિલોદીઠ ભાવમાં રૂા. 1.31નો અને અમદાવાદ અને વડોદરાના ઘરોના રસોડામાં વપરાતા પાઈપ્ડ નેચરલ ગેસ-PNGના ભાવમાં સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરદીઠ રૂા. 1.00નો આજથી અમલમાં આવે તે રીતે ઘટાડો કરવાની અદાણી ગેસ લિમિટેડે જાહેરાત કરી છે.

જોકે ગુજરાત ગેસએ હજુ સુધી ભાવ ઘટાડો જાહેર કર્યો નથી પરંતુ ટૂંક સમયમાં કંપની દ્વારા પણ સત્તાવાર ભાવ ઘટાડાની જાહેરાત કરવામાં આવશે.

સીએનજીના દરમાં ઘટાડો કરવાને પરિણામે 4.5 લાખથી વધુ પીએનજી વપરાશકારોને લાભ થશે. અમદાવાદ અને વડોદરામાં સીએનજીના અત્યારના ભાવ રૂા. 53.17 છે તે ઘટાડીને 51.86 કરવામાં આવ્યા છે. આમ તેમાં રૂા. 1.31નો કિલોદીઠ ઘટાડો કરવામાં આવ્યો છે.

દર છ માસ બાદ ગેસના ભાવની સમિક્ષા કરીને કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય ભાવ બંધારણ મુજબ વધારો કે ઘટાડો જાહેર કરે છે. આ ક્રમમાં કેન્દ્ર સરકારે કુદરતી ગેસના ભાવમાં ઘટાડો કર્યો હતો. તેના પગલે ગુજરાતમાં પણ અદાણી અને ગુજરાત ગેસ પણ ભાવ ઘટાડો કરે તેની રાહ જોવાતી હતી.



અમદાવાદ અને વડોદરામાં સાડાચાર લાખથી વધુ લોકોના રસોડામાં અપાતા પીએનજી ગેસના સ્ટાન્ડર્ડ ક્યૂબિક મીટરદીઠ ભાવ રૂા. 29.09થી ઘટાડીને 28.09 કરવાનો નિર્ણય કર્યો છે. આમ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરના ભાવમાં રૂા.1નો ઘટાડો કરવામાં આવ્યો છે.

પેટ્રોલ અને ડિઝલનો વપરાશ કરનારાઓને તેના ભાવને કારણે વાહન ચલાવવામાં કરવા પડી રહેલા ખર્ચની તુલનાએ ઘટાડેલા ભાવને કારણે તેમને કરવા પડતા ખર્ચમાં 50 ટકા સુધીનો ઘટાડો થઈ જશે. તેને પરિણામે વાહનચાલકો તેમના વાહનોને સીએનજીથી ચાલતા વાહનોમાં રૂપાંતરિત કરાવવાનું વધારશે.