GSRTC bus fare hike 2025: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોના ભાડામાં ૧૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો આજ મધ્યરાત્રીથી એટલે કે તારીખ ૨૯ માર્ચ ૨૦૨૫થી અમલમાં આવશે. નિગમ દ્વારા મુસાફરોને વધુ સારી અને સુવિધાજનક પરિવહન સેવાઓ પૂરી પાડવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત એસટી નિગમ દૈનિક ૮૦૦૦થી વધુ બસો દ્વારા ૩૨ લાખથી વધુ કિલોમીટરનું અંતર કાપીને અંદાજે ૨૭ લાખ મુસાફરોને જાહેર પરિવહનની સુવિધા પૂરી પાડે છે. નિગમ મુસાફરોની સગવડ માટે સતત પ્રયત્નશીલ છે અને આર્થિક રીતે સ્વનિર્ભર બનવા માટે ચિંતિત છે. આ સાથે જ નિગમ વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, પત્રકારો અને અન્ય પાત્રતા ધરાવતા લોકોને રાહત દરે અથવા વિના મૂલ્યે મુસાફરીની સુવિધા પણ આપે છે.
નિગમ દ્વારા છેલ્લા ૧૪ મહિનામાં અત્યાધુનિક ટેકનોલોજીવાળી ૨૯૮૭ નવી BS-6 પ્રકારની બસો સેવામાં મૂકવામાં આવી છે. જેમાં સ્લીપર કોચ, વોલ્વો, સેમી લક્ઝરી, સુપર ડિલક્સ અને મીની બસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, છેલ્લા એક વર્ષમાં ૧૪ બસ સ્ટેશન અને ડેપોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે, જેનો લાભ દરરોજ અંદાજે ૧ લાખ લોકો લઈ રહ્યા છે.
નિગમ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં આગામી વર્ષમાં ૨૦૫૦ નવી બસો સેવામાં મૂકવાનું આયોજન છે, જેમાં ૨૦૦ એ.સી. આરામદાયક પ્રીમિયમ બસો અને ૧૦ કારવાં સર્વિસનો સમાવેશ થાય છે. વધુમાં, નિગમમાં અંદાજે ૩૦૦૦ જેટલા ડ્રાઈવર, કંડક્ટર અને મિકેનિકોની ભરતી પ્રક્રિયા પણ ચાલી રહી છે.
નિગમ દ્વારા વર્ષ ૨૦૧૪ બાદ વર્ષ ૨૦૨૩માં એટલે કે ૧૦ વર્ષ પછી તબક્કાવાર ભાડા વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં ૧ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ ૨૫ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. હવે નિગમની પરિવહન સેવાઓને વધુ સુવિધાયુક્ત બનાવવા માટે નિગમના સંચાલક મંડળ દ્વારા ૨૮ માર્ચ ૨૦૨૫ની મધ્યરાત્રીથી ૧૦ ટકાનો વધુ ભાડા વધારો કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે.
નિગમનું કહેવું છે કે લોકલ સર્વિસમાં ૮૫ ટકા મુસાફરો ૪૮ કિલોમીટર સુધીની મુસાફરી કરે છે, જેના કારણે તેમને માત્ર ૧ થી ૪ રૂપિયાનો નજીવો ભાડા વધારો થશે, જેથી સામાન્ય મુસાફરો પર આ વધારાની ખાસ અસર નહીં પડે. નિગમ નવી ટેકનોલોજી અને આધુનિક સુવિધાઓ દ્વારા મુસાફરોને અસરકારક જાહેર પરિવહન સેવાઓ આપવા માટે કટિબદ્ધ છે.