ગાંધીનગરઃ વિદ્યાર્થીઓના વિરોધની આગળ અંતે ગુજરાત સરકારે નમવું પડ્યું છે. 20મી ઓક્ટોબરના રોજ લેવાનારી બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની ભરીત પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કર્યા બાદ હવે સરકારે નવી તારીખ જાહેર કરી છે. સાથે જ સરકારે બાદમાં જે લાયકાતમાં સુધારો કર્યો હતો તેને પણ રદ્દ કરીને જૂના ધારા ધોરણ અનુસાર જ પરિક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. એટલે કે ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી શકશે.



નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે આ અંગે જણાવ્યું કે, ' ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય કલાર્કની જે પરીક્ષા રદ કરી હતી અને આની સામે ઉમેદવારોએ, વિદ્યાર્થી મંડળોએ, ભાજપનાં નેતાઓએ રાજ્ય સરકારને રજૂવાત કરી હતી કે આ પરીક્ષામાં ઉમેદવારો તૈયારી કરી છે તે રાજ્ય સરકારનાં નિર્ણયને રદ કરવો જોઇએ.'

વધુમાં તેમણે કહ્યું કે, 'ધોરણ 12 પાસ અને સ્નાતક વિદ્યાર્થીઓ બધા જ ઉમેદવારોને એક તક આપવાનો નિર્ણય કર્યો છે. જેમણે પરીક્ષા અંગેની નોંધણી કરેલા તમામ ઉમેદવારો પરીક્ષા આપી શકે. આ બધા જ ઉમેદવારો ફરીથી પરીક્ષા આપી શકશે. આ પરીક્ષા  હવે તારીખ 17-11-2019નાં રોજ યોજાશે. આ પરીક્ષા માટે 3171 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. પસંદગી પામેલ ઉમેદવારોને સરકારી નોકરી આપવામાં આવશે.'



ગૌણ સેવા પસંદગી મંડળનાં અધ્યક્ષ, અસિત વોરાએ જણાવ્યું કે, એજ ફોર્મ અને એજ કોલ લેટર સાથે ઉમેદવારો પરીક્ષા આપી શકશે જેમાં કોઇ ફેરફાર નહીં કરવામાં આવે.

મહત્વનું છે કે, બિન સચિવાલય ક્લાર્કની 3771 પદોની ભરતી માટે સરકારે અગાઉ 12 પાસની શૈક્ષણિક લાયકાત રાખી હતી. જોકે, 20 ઓક્ટોબરે પરીક્ષા લેવાય તેના થોડા કલાકો પહેલા જ પરીક્ષા રદ્દ થઈ હોવાની જાહેરાત કરાઈ હતી, અને તેની શૈક્ષણિક લાયકાત પણ 12 પાસથી વધારીને ગ્રેજ્યુએટ કરી દેવાઈ હતી. આ મામલે ખાસ્સો હોબાળો મચ્યો હતો.

શૈક્ષણિક લાયકાત વધારાતા લાખો ઉમેદવારો આ પરીક્ષામાં બેસવાથી વંચીત રહી જાય તેમ હતું. જેને લઈને જોરદાર વિરોદ શરુ થયો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સચિવાલય પ્રદર્શન કરવા પણ પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર પણ આ મામલે લોકોએ વિરોદ વ્યક્ત કરવાનું શરુ કર્યું હતું. જો નેતાઓને ચૂંટણી લડવા માટે કોઈ શૈક્ષણિક લાયકાત ન હોય તો ક્લાર્ક જેવી સરકારી નોકરી માટે કેમ ગ્રેજ્યુએશનની લાયકાત રખાઈ રહી છે?