ગાંધીનગરઃ રાજ્યની આઠ બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીને લઈ રાજ્ય સરકારે ગાઈડ લાઈન બહાર પાડી છે. જે મુજબ સોશલ ડિસ્ટન્સિંગની સાથે સભા-મિટીંગના સ્ટેજ પર સોફા રાખી નહીં શકાય. ખુરશીઓમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું પડશે.

એમાં પણ સ્ટેજ પર 7થી વધુ વ્યક્તિઓ બેસી નહીં શકે. સ્ટેજ મોટું હશે તો આગળ પાછળની હરોળમાં 14 લોકો બેસી શકશે. આવા ચૂંટણી લક્ષી કાર્યક્રમો માટે જિલ્લા મેજિસ્ટ્રેટ કે પોલીસ કમિશનરની પૂર્વ મંજૂરી લેવી પડશે.

જો કે ચૂંટણીના રાજકીય સમારંભમાં થર્મલ સ્ક્રેનિંગ, હેંડ વોશ, સેનેટાઈઝરની સુવિધા સાથે 100થી વધુ વ્યક્તિ માટે મંજૂરી આપી શકાશે. ઉમેદવાર ફોર્મ ભરવા જાય ત્યારે બેથી વધુ વ્યક્તિ કે વાહનો રાખી શકશે નહીં.

જ્યારે રોડ-શો કે બાઈક રેલી યોજાવાની હોય તો તે તે વખતે, વાહનોના કાફલામાં દર 5 વાહનો પછી યોગ્ય અંતર રાખવાનું રહેશે. વાહનોના કાફલા વચ્ચે 100 મીટરના અંતરના બદલે 30 મિનિટનો સમયગાળાો રાખવાનો રહેશે. જેમાં સુરક્ષા માટેના વાહનોની ગણતરી નહીં કરાય.