અમદાવાદઃ અમદાવાદથી સોમનાથ જબલપુર ટ્રેનના કોચ નંબર બી/1માં શીટ નં-33 પર બેસીને ભોપાલ જતી 23 વર્ષીય યુવતીના રહસ્યમય મોતે અનેક સવાલ ઉભા કર્યા છે. સુપ્રિયા ટ્રેનમાં મુસાફરી કરતી હતી જ્યારે તેનો મૃતદેહ લીમખેડાના ગોરીયા રેલ્વે ગરનાળા પાસેથી મળ્યો હતો. સુપ્રિયાનો મૃતદેહ ત્યાં કઈ રીતે પહોંચ્યો એ સવાલનો જવાબ પોલીસ  મોતના 17 દિવસ પછી પણ નતી શોધી શકી ને સુપ્રિયાના મોતનું રહસ્ય ઉકેલી શકી નથી.  સોમનાથ જબલપુર ટ્રેનનું સ્ટોપેજ ગોધરા રેલ્વે સ્ટેશન ન હોવા છતાં ટ્રેન ગોધરા રેલ્વે સ્ટેશન પર ઉભી રહી હતી. આ મુદ્દો પણ રહસ્યમય છે ને પોલીસ પાસે તેનો પણ જવાબ નથી. આ મુદ્દે યુવતીના પરિવારજનોએ ન્યાય અપાવવા આંદોલન છેડવું પડ્યું છે.


ટ્રેનના એસી કોચના કંમ્પાર્ટમેન્ટમાં સુપ્રીયા સાથે એક યુવક મુસાફરી કરતો હતો. રેલ્વે પોલીસે પૂછપરછ કરતાં તેણે સુપ્રિયા મોબાઇલ મુકીને વોશરૂમમાં ગયા બાદ પાછી આવી નથી એવું જણાવ્યું હતું. સુપ્રિયા ગોધરા સ્ટેશનેથી ગુમ થઈ છે એ સ્પષ્ટ હોવા છતાં પોલીસ કોઈ સગડ મેળવી શકી નથી.


મધ્યપ્રદેશના અનુપપુરની  23 વર્ષીય સુપ્રિયા તિવારી ફેબ્રુઆરીમાં કચ્છમા રહેતી  પોતાની બહેનના ઘરે આવી હતી. 15 દિવસ રહ્યા બાદ 2 માર્ચે સુપ્રિયા તિવારી અમદાવાદથી સોમનાથ જબલપુર ટ્રેનના કોચ નંબર બી/1માં સીટ નંબર 33 પર બેસીને ભોપાલ જવા નિકળી હતી. 2 માર્ચે  રાત્રે 9.37 કલાકે સુપ્રિયા સાથે છેલ્લી વાત થયા બાદ સુપ્રિયાનો કોઇ સંપર્ક થયો ન હતો.


સુપ્રિયાના પરિવારે વારંવાર સંપર્ક કર્યો ને સુપ્રિયા ભોપાલ ના પહોંચતાં તેના પરિવારે તપાસ કરી હતી. સોમનાથ જબલપુર ટ્રેનનું સ્ટોપેજ ગોધરા રેલ્વે સ્ટેશન ન હોવા છતાં ટ્રેન ગોધરા રેલ્વે સ્ટેશન પર ઉભી રહી હતી અને એ પછી તેનો સંપર્ક ના થતાં  સુપ્રિયા તિવારી રાત્રે 9.37 મીનીટ બાદ ગોધરા રેલ્વે સ્ટેશન પાસેથી ટ્રેનમાંથી ગુમ થઇ હોવાની ફરીયાદ સુ્પ્રિયાના બનેવી રાજેશકુમાર ત્રિવેદીએ નોંધાવી હતી.


દરમિયાનમાં 3 માર્ચે લીમખેડાના ગોરીયા રેલ્વે ગરનાળા પાસેથી અજાણી છોકરીનો મૃતદેહ મળ્યો હતો. તપાસ કરતાં મૃતદેહ સુપ્રીયા તિવારીનો હોવાનું માલુમ પડતાં તેના પરીવારજનો લીમખેડા દોડી આવ્યા હતા. સુપ્રીયાના મૃતદેહ પાસેથી પહેરેલા દાગીના પણ મળી આવ્યા હતા. પોલીસે સુપ્રિયાના મૃતદેહનું પીએમ કરવા મોકલી આપ્યો હતો પણ હજુ સુધી તેના મોતનું રહસ્ય ઉકેલાયું નથી.