અમદાવાદઃ ગુજરાતમાં ચૂંટણી નજીક આવતાં જ  ભાજપ દ્વાર બોર્ડ-નિગમોમાં નવેસરથી નિમણૂકની ક્વાયત હાથ ધરાઈ છે. તેના ભાગરૂપે વધુ છ બોર્ડ-નિગમ ચેરમેન તથા એક ડેપ્યુટી ચેરમેન મળીને સાત નેતાનાં રાજીનામાં લઈ લેવાયાં છે. આ નેતાઓમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન આસિત વોરાનો પણ સમાવેશ થાય છે.


આ ઉપરાંત આઇ.કે.જાડેજા (50 મુદ્દા અમલીકરણ સમિતી),  બળવંતસિંહ રાજપૂત (જીઆઇડીસી),  મુળુ બેરા (ગ્રામ્ય ગૃહ નિમાર્ણ બોર્ડ),  હંસરાજ ગજેરા (ગુજરાત બિન અનામત આયોગ),  રશ્મિકાંત પંડયા (ગુજરાત બિન અનામત આયોગ ( ડે.ચેરમેન ) અને  મધુ શ્રીવાસ્તવ (ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ)નો સમાવેશ થાય છે.


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 20 માર્ચે હેડકલાર્કની પરીક્ષા યોજાય તે પહેલાં જ આસિત વોરા પાસેથી રાજીનામુ લઇ લેવાયુ છે.  તેના કારણે એવી અટકળો ચાલી છે કે,  પરીક્ષાર્થીઓનો વિરોધવંટોળ ખાળવા રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. જો કે ભાજપનાં સૂત્રોનું કહેવું છે કે, બીજા ચેરમેનોની જેમ વોરાનું પણ રાજીનામું લેવાયું છે. આ અગાઉ પણ કેટલાંક બોર્ડ નિગમના ચેરમેનો પાસેથી રાજીનામા લઇ લેવાયા હતાં. પેપરલીક કૌભાંડના બે મહિના વિત્યા બાદ આસિત વોરાએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેનપદેથી રાજીનામુ આપ્યુ છે તેથી તેને પેર લીક કૌભાંડ સાથે કંઈ લેવાદેવા નથી.


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરિક્ષાઓમાં ઉપરાછાપરી પ્રશ્નપત્રો ફૂટવાની ઘટનાઓએ ભાજપ સરકારની પ્રતિષ્ઠા ખરડી નાંખી હતી. હેડ કલાર્કની 186 જગ્યાઓ માટે ડિસેમ્બરમાં પરીક્ષા યોજાઇ હતી પણ પ્રશ્નપત્ર ફૂટતા સરકારે પરીક્ષા રદ કરવી પડી હતી.


આ કારણે વિરોધ પક્ષોએ મુદ્દો ઉઠાવ્યો હતો કે,  અન્ય બોર્ડ નિગમના ચેરમેનોના રાજીનામા લઇ લેવાયા છે તો આસિત વોરા પાસેથી પણ રાજીનામુ લેવવું જોઈએ. વિદ્યાર્થીઓ દ્વારા પણ સવાલ ઉઠાવાયા હતા. એ વખતે સરકારે કોઈ નિર્ણય નહોતો લીધો પણ બે મહિના પછી આખરે સરકારે આસિત વોરાને ગૌણ સેવા પસંદગી મંડળમાંથી રવાના કર્યા છે.