Independence Day 2026: દેશ આજે અત્યંત ઉત્સાહ અને ઉમંગ સાથે 80મો સ્વતંત્રતા પર્વ ઉજવી રહ્યો છે, ત્યારે રાજ્યકક્ષાની મુખ્ય ઉજવણી અમરેલી ખાતે કરવામાં આવી હતી. અમરેલીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ ભવ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરાવ્યું હતું અને રાજ્યના નાગરિકોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
'ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું'
ધ્વજવંદન બાદ રાજ્યજોગ સંબોધનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત આજે દેશનું ‘ગ્રોથ એન્જિન’ બન્યું છે અને 'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત જ અગ્રસર રહીને લીડ લેશે. તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકારે આધુનિકતા અને આધ્યાત્મિકતાની સાથે વિકાસ અને વિરાસતના સંગમને વિકસિત ગુજરાતનો મુખ્ય આધાર બનાવ્યો છે. આજે સમગ્ર વિશ્વ એક નવી આશા સાથે ભારત તરફ જોઈ રહ્યું છે.
રાજ્ય સરકારની મુખ્ય સિદ્ધિઓ અને કટિબદ્ધતા
પોતાના સંબોધનમાં મુખ્યમંત્રીએ ગરીબો, યુવાનો, અન્નદાતા (ખેડૂતો) અને નારી શક્તિને વિકસિત ભારતના મજબૂત સ્તંભ ગણાવ્યા હતા:
- ખેડૂત કલ્યાણ: ખેડૂતોને સમૃદ્ધ બનાવવા માટે હવે દિવસે પણ વીજળી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
- જળ સંચય અને પર્યાવરણ: વિકાસની સાથે પર્યાવરણ જાળવણીનો અભિગમ અપનાવાયો છે. વરસાદી પાણીના સંચયથી ભૂગર્ભ જળસ્તર ઉંચા આવ્યા છે.
- દરિયાશક્તિ અને પોર્ટ્સ: ગુજરાતના બંદરો સમગ્ર દેશની સમૃદ્ધિના પ્રવેશદ્વાર બન્યા છે, અને દરિયાશક્તિને વધુ સશક્ત બનાવવાનો સંકલ્પ લેવાયો છે.
- આવાસ અને આરોગ્ય: રાજ્યમાં 16 લાખથી વધુ ગરીબ પરિવારોને પોતાના ઘરનું ઘર મળ્યું છે, જ્યારે 10,300 થી વધુ 'આરોગ્ય મંદિરો' કાર્યરત કરવામાં આવ્યા છે.
આકર્ષક પરેડ, રાઇફલ ડ્રીલ અને સાહસિક શૉ
ધ્વજવંદન બાદ અમરેલીના પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ જવાનો દ્વારા શિસ્તબદ્ધ પરેડ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં મહિલા જવાનોની અદભુત રાઇફલ ડ્રીલે ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી લીધા હતા. આ ઉપરાંત દેશભક્તિના રંગે રંગાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો અને યોગ પ્રદર્શન, સાહસિક બાઈક સ્ટંટ શૉ અને શ્વાન દળ દ્વારા 'ડોગ-શૉ', અશ્વદળ દ્વારા યોજાયેલ આકર્ષક 'માઉન્ટેડ અશ્વ-શૉ' એ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. અમરેલી ખાતેના મુખ્ય કાર્યક્રમ ઉપરાંત, રાજ્યના અન્ય તમામ જિલ્લા મથકોએ પણ રાજ્ય સરકારના મંત્રીઓ, પદાધિકારીઓ અને વરિષ્ઠ અધિકારીઓની અધ્યક્ષતામાં ઉત્સાહભેર ધ્વજવંદન કાર્યક્રમો યોજાયા હતા.
