Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ પક્ષોએ પ્રચાર વેગીલો બનાવ્યો છે. આ દરમિયાન ટિકિટ ન મળતાં પક્ષથી નારાજ થઈને કેટલાંક લોકો અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે ટિકિટ ન આપી હોય અને અપક્ષ ચૂંટણી લડતાં 12 નેતાઓને સસ્પેન્ડ કર્યા છે.



  • દિનુભાઈ પટેલ

  • મધુભાઈ શ્રીવાસ્તવ

  • કુલદીપસિંહ રાઉલ

  • બી પગી

  • ધવલસિંહ ઝાલા

  • રામસિંહ ઠાકોર

  • માવજીભાઈ ઠાકોર

  • લેબજી ઠાકોર

  • એસ.એમ.ખાટ

  • જેપી પટેલ

  • રમેશ ઝાલા

  • અમરશીભાઈ ઝાલા




300થી વધુ ઉમેદવાર વિવિધ ગુનાથી ખરડાયેલા


ગુજરાત વિધાનસભાની બંને તબક્કાની ચૂંટણીના ઉમેદવારો ફાઈનલ થઈ ગયા છે ત્યારે બંને તબક્કાના કુલ મળીને 1621 ઉમેદવારોમાંથી 313 જેટલા ઉમેદવારો વિવિધ ગુનાથી ખરડાયેલા છે. ગત ચૂંટણીની સરખામણીએ કુલ ઉમેદવારોની સંખ્યા ઘટી છે પરંતુ બીજી બાજુ દાગી ઉમેદવારોની સંખ્યા 253 થી વધીને 313  થઈ છે એટલે કે પાંચ ટકા દાગી ઉમેદવારો આ વખતની ચૂંટણીમાં વધ્યા છે.      ચૂંટણી પંચ દ્વારા મતદારો-નાગરિકો માટે આ વખતની ચૂંટણીમાં લોન્ચ કરાયેલી કેવાયસી (નો યોર કેન્ડિડેન્ટ) એપ્લિકેશન મુજબ બંને તબક્કાની ચૂંટણીમાં કુલ મળીને 313 ઉમેદવારો સામે વિવિધ પ્રકારના પોલીસ કેસ -ગુના નોંધાયા છે.


ચૂંટણી પંચના નિયમ મુજબ આ વખતે દરેક પાર્ટીઓએ પોતાના ગુનાઈત ઈતિહાસ ધરાવતા ઉમેદવારો કે જેઓની સામે પોલીસ કેસ થયેલા છે તેઓની પુરી વિગતો વેબસાઈટ પર મુકવી અને લોકો સુધી પહોંચે તે માટે અખબારોમાં જાહેરાત સ્વરૃપે આપવી ફરજીયાત છે.  જે મુજબ ભાજપના 28 ,કોંગ્રેસના 30 અને આપના 15 ઉમેદવારો ગુનાથી ખરડાયેલા છે.આ ઉપરાંત અન્ય કેટલીક સ્થાનિક પાર્ટીઓના ઉમેદવારો છે અને સૌથી વધુ અપક્ષ ઉમેદવારો છે. 2017ની ચૂંટણીમાં કુલ 1828 ઉમેદવારો બંને તબક્કાની ચૂંટણીમાં હતા અને જેમાંથી 253 ઉમેદવારો ગુનાઈત ઈતિહાસ ધરાવતા હતા એટલે કે કુલ ઉમેદવારોના 14 ટકા જેટલા ઉમેદવારો ગુનાથી ખરડાયેલા હતા.જ્યારે આ વખતની ચૂંટણીમાં બંને તબક્કાના મળીને કુલ 1621 ઉમેદવારોમાંથી 313 જેટલા ઉમેદવારો દાગી છે. આમ 2017ની ચૂંટણીની સરખામણીએ આ વખતની ચૂંટણીમાં દાગી ઉમેદવારો પાંચ ટકા જેટલા વધતા કુલ ઉમેદવારોના 19 ટકાથી વધુ ઉમેદવારો ગુનાઈત ઈતિહાસ ધરાવતા છે.