Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. વિધાનસભા માટે પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે અને બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન થશે. જણાવી દઈએ કે, ચૂંટણી પંચે હિમાચલ વિધાનસભા ચૂંટણીની તારીખોની વહેલી જાહેરાત કરી દીધી હતી. આવી સ્થિતિમાં ગુજરાતની ચૂંટણીની તારીખોની જાહેરાતમાં વિલંબ કેમ થયો તેની ચર્ચા ચાલી રહી છે.
પીએમ મોદીની ગુજરાત મુલાકાતને કારણે ચૂંટણી પંચ મતદાનની તારીખોની જાહેરાતમાં વિલંબ કરી રહ્યું હોવાના આક્ષેપો થયા હતા. હવે આ અંગે ચૂંટણી પંચે ખુલાસો કર્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે, "તાજેતરમાં ગુજરાતમાં એક ખૂબ જ દુઃખદ ઘટના બની હતી. મોરબી બ્રિજ દુર્ઘટનાને કારણે તારીખોની જાહેરાતમાં વિલંબ થયો છે. ગઈકાલે રાજ્યમાં રાજ્યમાં શોક પણ હતો."
ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો માટે બે તબક્કામાં ચૂંટણી
હિમાચલ પ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો માટે બે તબક્કામાં ચૂંટણી યોજાશે. 1 ડિસેમ્બરે 89 વિધાનસભા બેઠકો માટે અને 5 ડિસેમ્બરે 93 બેઠકો માટે મતદાન થશે. જ્યારે હિમાચલ પ્રદેશની સાથે 8મી ડિસેમ્બરે મતગણતરી કરવામાં આવશે.
ગુજરાતમાં પ્રથમ તબક્કામાં નામાંકન ભરવાની પ્રક્રિયા 5 નવેમ્બરથી શરૂ થશે અને 14 નવેમ્બરે સમાપ્ત થશે. બીજા તબક્કા માટે 10 થી 17 નવેમ્બર સુધી નામાંકન દાખલ કરી શકાશે. પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 18 નવેમ્બર અને બીજા તબક્કાની 93 બેઠકો માટે 21 નવેમ્બર છે.
હિમાચલ પ્રદેશમાં ચૂંટણી ક્યારે છે?
ચૂંટણી પંચે અગાઉ હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખો સાથે ગુજરાત ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી ન હતી. કમિશને 14 ઓક્ટોબરે હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી હતી, જે 12 નવેમ્બરે એક જ તબક્કામાં યોજાશે અને બંને રાજ્યોમાં 8 ડિસેમ્બરે મતગણતરી થશે.
ગુજરાતમાં 1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન
પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. પ્રથમ તબક્કા માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 નવેમ્બર છે. પ્રથમ તબક્કામાં ફોર્મની ચકાસણી 15 નવેમ્બરે થશે. 17 નવેમ્બર સુધીમાં પ્રથમ તબક્કાના ઉમેદવારો ફોર્મ પરત ખેંચી શકશે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ યોજાશે.
ગુજરાતમાં 5 ડિસેમ્બરના રોજ બીજા તબક્કાનું મતદાન
બીજા તબક્કા માટે 10 નવેમ્બરના રોજ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. બીજા તબક્કા માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 17 નવેમ્બર છે. બીજા તબક્કા માટે ફોર્મ ચકાસણી 18 નવેમ્બરે કરવામાં આવશે. બીજા તબક્કામાં ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 21 નવેમ્બર છે. બીજા તબક્કા માટે 93 બેઠકો પર પાંચ ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન થશે.