Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેર થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જાહેરાત કરી હતી કે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત કોગ્રેસ આગામી આઠ તારીખે મેનિફેસ્ટો જાહેર કરશે.






આ જાહેરાત રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કરી હતી. અશોક ગેહલોત બનાસકાંઠાના અમીરગઢની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં અશોક ગેહલોતે જાહેરાત કરી હતી કે 8 તારીખે કોંગ્રેસ મેનિફેસ્ટો જાહેર કરશે.






અશોક ગેહલોતે કહ્યું હતું કે કોંગ્રેસની આ વખતે સરકાર બનશે તો રાજસ્થાન જેવી યોજનાઓ ગુજરાતમાં લાગુ કરવામાં આવશે. સાથે જ 500 રૂપિયામાં ગેસનો બાટલો કોંગ્રેસ આપશે અને ગુજરાતમાં તમામ લોકોનો ઈલાજ ફ્રી કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. અશોક ગેહલોતની સાથે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને દાતા ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત કોંગ્રેસના આગેવાનો પણ હાજર રહ્યા હતા.


બીજી તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ વચનોની લ્હાણી કરી હતી. ગુજરાતના સરકારી કર્મચારીઓને લઈ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું અને કોન્ટ્રાકટકર્મીઓને નોકરીની ગેરંટી અને જૂની પેંશન યોજના લાગુ કરવાનું વચન આપ્યું હતું. સાથે જ સરકારી કર્મચારીઓને સમયસર પ્રમોશનનું પણ વચન આપ્યું હતું અને રાજસ્થાનમાં સરકારી કર્મચારીઓને લાભ આપ્યો એવો ગુજરાતમાં પણ મળશે તેવું વચન આપ્યું હતું.