Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે તમામ રાજકીય પક્ષોના નેતાઓ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ દરમિયાન કલોલના કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે મોટો આરોપ લગાવ્યો છે. તેમણે સ્થાનિક પોલીસ અધિકારીઓ અને ભાજપ ઉપર આરોપ લગાવતાં કહ્યું, ભાજપ કલોલમાં સરકારી પ્રશાસનનો દુરુપયોગ કરી રહી છે, પોલીસ અધિકારીઓ કોંગ્રેસ કાર્યકરો આગેવાનોને ધમકાવે છે, કોંગ્રેસમાં નિષ્ક્રિય થઇ જવા કોંગ્રેસ આગેવનોને પોલીસ દબાણ કરે છે, કલોલ વિધાનસભામાં ભયનું વાતાવરણ ઉભું કરવામાં આવે છે, કલોલના વેપારીઓ, બિલ્ડર્સને પણ કોંગ્રેસને ટેકો નહિ આપવા ધમકી અપાય છે. જો
પોલીસની ધાક ધમકી દૂર નહિ થાય તો પ્રાંત અધિકારી કચેરી સમક્ષ ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી.


કલોલમાં કોની વચ્ચે છે જંગ


કલોલમાં ભાજપના બકાજી ઠાકોર, કોંગ્રેસના બળદેવજી ઠાકોર અને આપના કાંતિજી ઠાકોર વચ્ચે મુકાબલો છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.


કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બે દિવસની ગુજરાતની મુલાકાતે


ગુજરાત વિધાનસભાની ચૂટણીને લઇ કોંગ્રેસપક્ષના છેલ્લા તબક્કાના પ્રચાર અભિયાનને વેગવંતુ બનાવવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તા.27 અને 28 નવેમ્બર એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અમદાવાદ, કડી, ઓલપાડ, ડેડીયાપાડા સહિતના સ્થળોએ જાહેરસભાને સંબોધન કરશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની બે દિવસીય મુલાકાતને લઇ પ્રદેશ કોંગ્રેસના નેતાઓ અને સ્થાનિક આગેવાનો પણ તેમની પ્રચાર વ્યવસ્થા માટે દોડતા થયા છે. 27મી નવેમ્બરે બપોરે 1.45 વાગ્યે વડોદરા એરપોર્ટ પર આવી જશે. ત્યારબાદ ત્યાંથી તેઓ સીધા ડેડીયાપાડા જવાના રવાના થશે. જયાં 2.45 વાગ્યે તેઓ વિશાળ જાહરેસભાને સંબોધન કરશે. ત્યારબાદ તેઓ સુરતના ઓલપાડ જવા રવાના થશે, જયાં સાંજે 4.30 વાગ્યે જનસભા સંબોધશે. મોડી સાંજે 7.45 વાગ્યે તેઓ અમદાવાદ આવશે. ત્યારપછી બીજા દિવસે તા.28મીએ સવારે 11 વાગ્યે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પત્રકારો સાથે વાર્તાલાપ કરશે.  સાંજે પાંચ વાગ્યે તેઓ કડી જશે અને ત્યાં જાહેરસભાને સંબોધન કરશે. ત્યાંથી પાછા અમદાવાદ ફરશે અને રાત્રે 8 વાગ્યે શહેરના બહેરામપુરા વિસ્તારમાં જાહેરસભાને સંબોધન કરશે.