Gujarat Election 2022 Live: ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજાએ ઉમેદવારી નોંધાવી, રૂપાણી રહ્યા હાજર

Gujarat Assembly Election 2022: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે આજે વધુ 33 ઉમેદવારના નામ જાહેર કર્યા છે

gujarati.abplive.com Last Updated: 14 Nov 2022 01:27 PM
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્નીએ ઉમેદવારી નોંધાવી

જામનગર શહેરની બંન્ને બેઠકો પર ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જામનગર ઉત્તર બેઠક પરથી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજાએ ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રસંગે રવિન્દ્ર જાડેજા પણ હાજર રહ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ કહ્યું કે જામનગર માટે જેટલો વિકાસ થાય તેવો પ્રયાસ કરશે. જામનગર દક્ષિણ બેઠક પર દિવ્યેશ અકબરીએ ઉમેદવારી નોંધાવી હતી. જામનગર ગ્રામ્ય બેઠક પર કૃષિમંત્રી રાઘવજી પટેલે પણ ઉમેદવારી નોંધાવી હતી.

કોંગ્રેસે ગુજરાત ચૂંટણી માટે ઝોનલ, લોકસભા અને અન્ય નિરીક્ષકોને તાત્કાલિક અસરથી નિયુક્ત કર્યા હતા.

ખેરાલુ બેઠક પરથી ભાજપના ઉમેદવાર નક્કી

મહેસાણાની ખેરાલુ બેઠક પર ભાજપે પોતાના ઉમેદવાર નક્કી કરી લીધા છે. સૂત્ર પાસેથી મળેલી માહિતી અનુસાર ખેરાલુ બેઠક પરથી રેખાબેન ચૌધરીનું નામ નક્કી કરવામાં આવ્યુ છે. એટલુ જ નહી પક્ષ તરફથી રેખાબેન ચૌધરીને તૈયારી કરવાની પણ સૂચના આપી દેવામાં આવી છે.

ઇમરાન ખેડાવાલાને રિપિટ કરાતા કાર્યકરોમાં નારાજગી

અમદાવાદની જમાલપુર ખાડિયા બેઠક પર ઈમરાન ખેડાવાલા રિપિટ થતાની સાથે જ કાર્યકર્તાઓ નારાજ થયા છે. NSUIના હોદ્દેદારોએ રાજીનામા આપ્યા હતા. NSUIના કાર્યકરોએ રાજીનામા અંગેની જાહેરાત સોશિયલ મીડિયા  પર કરી હતી. આ તરફ પ્રદેશ કોંગ્રેસ માઇનોરિટી ડીપાર્ટમેન્ટના તમામ હોદ્દેદારોએ પણ રાષ્ટ્રીય અધ્યક્ષ ઇમરાન પ્રતાપગઢી સાથે મુલાકાત કરી હતી અને જલામપુર ખાડિયા બેઠક પર પોતાની માંગને લઈ રજૂઆત કરી હતી.

વઢવાણ બેઠક પર ભાજપે બદલ્યા ઉમેદવાર

વઢવાણ વિધાનસભા બેઠક પર ભાજપે ઉમેદવાર બદલતાં બ્રહ્મસમાજ અને જૈન સમાજમાં રોષ ફેલાયો હતો. વઢવાણ બેઠક પર જીજ્ઞાબેન પંડ્યાને ટિકિટ આપ્યા બાદ નવા ઉમેદવાર તરીકે જગદીશભાઈ મકવાણાને ટિકિટ આપતા રોષ ફેલાયો હતો. બ્રહ્મસમાજની વાડી ખાતે બ્રહ્મસમાજ તેમજ જૈન સમાજના આગેવાનોની બેઠક યોજાઈ હતી.

ભાજપ દ્વારા જીજ્ઞાબેન પંડ્યાનું નામ જાહેર કર્યા બાદ ઉમેદવાર બદલવામાં આવતા આગામી ચૂંટણીમાં ભાજપ વિરૂધ્ધમાં મતદાન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આગામી દિવસોમાં ભાજપમાંથી હોદેદારોના રાજીનામા પડવાની શક્યતાઓ છે.

બોટાદ બેઠક પરથી કોગ્રેસે ઉમેદવાર બદલ્યા

મનહર પટેલની નારાજગી બાદ અંતે કૉંગ્રેસે બોટાદ બેઠકથી ઉમેદવાર બદલ્યા હતા. બોટાદ બેઠક પરથી રમેશ મેરના સ્થાને કૉંગ્રેસે મનહર પટેલને ટિકિટ આપી હતી. ગઈકાલે રમેશ મેરનું નામ જાહેર થતા મનહર પટેલ નારાજ થયા હતા અને અશોક ગહલોત સાથે મુલાકાત કરી હતી અને ટિકિટ વહેચણીને લઈ ફેર વિચારણા કરવા રજૂઆત કરી હતી. પ્રદેશ કૉંગ્રેસે મનહર પટેલને મનાવવા બે ઉપપ્રમુખને જવાબદારી પણ સોંપાઈ હતી. મનહર પટેલને ટિકિટ મળ્યા બાદ તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ છે

બ્રેકગ્રાઉન્ડ

Gujarat Assembly Election 2022: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે આજે વધુ 33 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જેમાં વાવ બેઠક પરથી ગેની બેન ઠાકોર, વડગામ બેઠક પરથી જીગ્નેશ મેવાણી, થરાદ બેઠક પરથી ગુલાબસિંહ રાજપુત અને પાટણ બેઠક પરથી કિરીટ પટેલ,રધુ દેસાઇથી રાધનપુર, મોહનસિંહના વેવાઇ સુખરાખનુ જેતપુર (ST), માણસાથી ઠાકોર બાબુસિંહ, કલોલથી બળદેવજીનુ નામ જાહેર કરવામાં આવ્યું છે.


કોંગ્રેસે વધુ એક યાદી કરી જાહેર


ગુજરાત વિધાનસભાની ચૂટણીને લઈને કોંગ્રેસે 5 નવા નામ જાહેર કર્યા છે. તો બીજી તરફ બોટાદમાં ઉમેદવાર બદલવામાં આવ્યા છે. ગારીયાધાર બેઠક પર હાલમાં કોંગ્રેસમાં જોડાયેલા મનુભાઈ ચાવડાના પુત્રને ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત મોરબીમાં 6 વખત ચૂંટણી હારેલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે. જેન્તી જેરાજ પટેલ 6 વખત કોંગ્રેસમાંથી ચૂંટણી હારી ચૂક્યા છે. આજે ફરી સાતમી વખત તેમને ટિકિટ આપવામાં આવી છે. પ્રથમ તબક્કાની યાદી સંપુર્ણ જાહેર કરી દેવામાં આવી છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.