Gujarat Assembly Elections 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં જ વિવિધ સમાજના આગેવાનો તેમના સમાજમાં મુખ્યમંત્રી બને તેવી માંગ કરવા લાગ્યા છે. અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના અધ્યક્ષ નવઘણજી ઠાકોરે બનાસકાંઠાના ઢીમાથી ધરણીધર ભગવાનના દર્શન કરીને વિજય સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. જે બાદ તેમણે હુંકાર કર્યો કે, 2022માં મુખ્યમંત્રીની ઠાકોરની માંગણી માટે આ ગુજરાતની ભૂમિ ઉપર ખુલ્લી તલવારે પટ્ટા ખેલવાના છે. કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીઓને અમારો મુખ્યમંત્રી જોઇશે. બાકી અમે ગામડાઓમાં એમને પગ મુકવા દેવાના નથી તેમ જણાવ્યું હતું.
ગુજરાતમાં ઠાકોર સમાજનો જ મુખ્યમંત્રી બનવો જોઈએ
નવઘણજી ઠાકોરે ઢીમાં મંદિરમાં ભગવાન ધરણીધરના દર્શન કરી જણાવ્યું હતું કે, રાજ્યમાં ઠાકોર સમાજનો મુખ્યમંત્રી બનશે અને ગુજરાતમાં સોનાનો સુરજ ઉગશે. ગેનીબેન સાથે હેલિકોપ્ટરમાં બેસીને ઢીમાં ભગવાનના દર્શન કરવા આવીશ. ગુજરાતમાં ઠાકોર સમાજનો જ મુખ્યમંત્રી બનવો જોઈએ અને 2022માં અમે હાથમાં તલવાર લઈને વિજયની વરમાળા પહેરવાના છીએ. ઠાકોર સમાજનો મુખ્યમંત્રી બને તે માટે ઢીમાથી નીકળેલી આ યાત્રા ફાગવેલ સુધી જશે. આ યાત્રા 6 જિલ્લાઓ અને 33 વિધાનસભામાં ફરશે અને ઠાકોર સમાજનો મુખ્યમંત્રી બને તે માટે પ્રયાસ કરશે.
ગુજરાતની ધરતી પર સોનાનો સુરજ ઉગાડવો છે
આ યાત્રામાં સમસ્ત ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજ એક કરવો છે. ઓબીસી, એસટી એસસી સમાજનો સાથ લઈ આગામી 2022માં ગુજરાતની ધરતી પર સોનાનો સૂરજ ઉગાડવો છે. સોનાનો સુરજ એટલે ગુજરાતનો મુખ્યમંત્રી ઠાકોર અને સંપૂર્ણ ઓ.બી.સી અને એસ.સી એસ.ટી સમાજની સરકાર. આ મારું સપનું છે.