Gujarat Assembly Anti-Superstition Law: ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય ચોમાસુ સત્ર આગામી 21થી 23 ઓગસ્ટ દરમિયાન યોજાવાનું છે. આ સત્રમાં સરકાર પાંચ મહત્વપૂર્ણ વિધેયકો રજૂ કરવાની છે, જેમાં સૌથી વધુ ચર્ચાસ્પદ અંધશ્રદ્ધા વિરોધી કાયદો છે.


"ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા તેનું નિર્મૂલન કરવા બાબત વિધેયક 2024" નામના આ વિધેયકમાં અંધશ્રદ્ધા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહીની જોગવાઈ છે. આ કાયદા હેઠળ, કહેવાતા ચમત્કારોનો પ્રચાર, ભૂત પ્રેત ભગાડવાના નામે શારીરિક પીડા આપવી, અનિષ્ટ શક્તિઓનો દાવો કરવો, અને અલૌકિક શક્તિના નામે જાતીય શોષણ જેવી પ્રવૃત્તિઓ ગુનો ગણાશે.


સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાયદા હેઠળ દોષિતોને 6 મહિનાથી 7 વર્ષ સુધીની જેલની સજા અને રૂ. 5 હજારથી 50 હજાર સુધીનો દંડ થઈ શકે છે. જોકે, ધાર્મિક વિધિઓ અને પરંપરાઓને આ કાયદાથી મુક્તિ આપવામાં આવી છે.


વિધાનસભાના આ સત્રની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. 20 ઓગસ્ટે વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળશે, જેમાં સત્રનું વિસ્તૃત આયોજન નક્કી કરવામાં આવશે.


આ વિધેયક ઉપરાંત અન્ય ચાર મહત્વપૂર્ણ વિધેયકો પણ આ સત્રમાં રજૂ થવાની શક્યતા છે. રાજ્ય સરકારે આ તમામ વિધેયકોને કેબિનેટ બેઠકમાં મંજૂરી આપી દીધી છે.


અંધશ્રઘ્ધા વિરોધી કાયદાની મહત્વની બાબતો



  • "ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા તેનું નિર્મૂલન કરવા બાબત વિધેયક 2024" તૈયાર

  • ધાર્મિક વિધિ અને પરંપરાને કાયદાથી છૂટ આપવામાં આવી

  • કહેવાતા ચમત્કારો અને તેના પ્રચાર - પસાર કરવો ગુનો ગણાશે

  • ભૂત કે ડાકણ ભગાડવાના નામે શારીરિક પીડા આપવી અને અપાવવી ગુનો ગણાશે

  • કોઈ વ્યક્તિ પાસે અનિષ્ટ શક્તિ છે અને તેનાથી બીજાનું નુકશાન થાય છે તેનો પ્રચાર કરવો પણ ગુનો ગણાશે

  • સાપ, વીંછી કે શ્વાનના કરડવા અંગે દવાખાને લાઇજવતા રોકવા અને દોરા, ધાગા કે મંત્રો કરવા તે ગુનો ગણાશે

  • ભૂત કે ડાકણ મંત્રોથી બોલાવી અન્યને ભયમાં મૂકવા તે બાબત પણ ગુનો બનશે

  • ભૂત - ડાકણને બોલાવી અન્યોને શારીરિક ઇજા પહોંચાડવી પણ ગુનો બનશે

  • ગર્ભ ધારણ કરવા અસમર્થ સ્ત્રી સાથે અલૌકિક શક્તિથી માતૃત્વ આપવાના બહાને જાતીય સંબંધ બાંધવો ગુનો ગણાશે

  • આંગળી દ્વારા શસ્ત્ર ક્રિયા કરવી કે તેમ કરવાનો દાવો કરવો પણ ગુનો ગણાશે

  • આવો ગુનો કરનાર વ્યક્તિને 6 મહિનાથી 7 વર્ષ સુધીની સજા થાય તેવી સૂચિત કાયદામાં જોગવાઈ

  • ગુનેગારને રૂ. 5 હજારથી 50 હજારનો આર્થિક દંડ કરવાની પણ સૂચિત કાયદામાં જોગવાઈ


આ પણ વાંચોઃ સીએમ ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કરી ગરીબો માટે કરી મોટી જાહેરાત, જાણો શું લાભ થશે