Gujarat ATS:  ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોર્ડ (ATS)એ ગોધરામાંથી છ શંકાસ્પદોને ઝડપી લીધા હતા. આ તમામ શકમંદો ઇરાનથી હેન્ડલ થતા આતંકી સંગઠન સાથે જોડાયેલા હોવાની આશંકા છે. તમામની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસાઓ થાય તેવી સંભાવના છે.                                           


મળતી જાણકારી અનુસાર, ગોધરામાંથી અફઘાનિસ્તાન, ઇરાનથી હેન્ડલ થતા આતંકી સંગઠનના 6 શકમંદને ગુજરાત એટીએસએ ઝડપ્યા હતા. આતંકવાદી સંગઠનના સ્લીપર સેલ ગુજરાતમાં એક્ટિવ હોવાના એજન્સી અને સેન્ટ્રલ આઈબીએ ઇનપુટ ગુજરાત પોલીસને મળ્યા હતા.  જે બાદ ગુજરાત પોલીસે આ સંદર્ભે સતત સર્વેલન્સ કર્યુ હતું. જેમાં પહેલા પોરબંદર, સુરત બાદ હવે ગોધરામાંથી છ શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી હતી.  આ તમામ લોકોની હાલમાં ગુજરાત ATS ખાતે પૂછપરછ કરવામાં આવી રહી છે.                                    


તાજેતરમાં જ ગુજરાત પોલીસને ઇનપુટ મળ્યા હતા કે જેમાં આતંકી સંગઠન માટે મદદ કરતા અથવા તેની વિચારધારા અને સમર્થન કરતા લોકોની માહિતી હતી. જેના આધારે ગોધરા ખાતે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ગુજરાત એટીએસ સાથે લોકલ એલસીબી અને એસઓજીએ ગોધરામાં મોડી રાત્રે ઓપરેશન કરી એક મહિલા સહીત 5 શકમંદોની અટકાયત કરીને અમદાવાદ ખાતે લઇ જવાયા હતા.


સૂત્રોના મતે ગુજરાત એટીએસ જે છ જણાની અટકાયત કરી છે એ ઇસ્લામિક સ્ટેટ ઓફ ખુરાસન પ્રોવિન્સ સાથે જોડાયેલા હોવાની આશંકા છે. તપાસમાં તેમની પાસેથી વાંધાનજક સાહિત્ય અને વિડીયો ક્લીપ જપ્ત કરી છે. જે અંગે પૂછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે. ગુજરાત એટીએસના અધિકારીઓને એનઆઇએ તરફથી માહિતી મળી હતી કે ઇસ્લામિક સ્ટેટ ઓફ ખુરાસન પ્રોવિન્સના સ્લીપર સેલ ગોધરામાં સક્રીય છે. જેના આધારે એટીએસ દ્વારા ગોધરામાં તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં તેમની પાસેથી વાંધાજનક વિડીયો મળી આવ્યા હતા. જેમાં જેહાદ કરવા ઉશ્કેરણી કરવામાં આવતી હતી. નોંધનીય છે કે થોડા મહિના પહેલા સુરતમાંથી એક મહિલાની ધરપકડ કરવામા આવી હતી. જે આતંકી સંગઠનમાં જોડાવા ગેરકાયદેસર રીતે અફઘાનિસ્તાન જવાની તૈયારીમાં હતી.