છોટા ઉદેપુર: નકલી કચેરી ઉભી કરી છોટાઉદેપુરમાંથી 4.15 કરોડનું કૌભાંડ મામલે પોલીસે 2.96 કરોડ રૂપિયા ફ્રીઝ કર્યા છે. છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે આવેલા વડોદરા રેન્જ આઈજીએ છોટાઉદેપુર પોલીસની કામગીરીને બિરદાવી છે.  છોટાઉદેપુર જિલ્લામાં નકલી સરકારી સિંચાઈ વિભાગની કચેરી ઉભી કરી આદિજાતિ વિભાગની પ્રયોજના કચેરીમાંથી સરકારી અધિકારીઓની મિલીભગતથી નકલી અધિકારીઓએ કાગળ ઉપર કામો દર્શાવી ખોટા બીલો રજૂ કરી રૂપિયા 4.15 કરોડનું કૌભાંડ આચર્યું હતું. જેની ફરિયાદ છોટાઉદેપુર પોલીસ મથકમાં નોંધાયા બાદ છોટાઉદેપુર જિલ્લા પોલીસે નકલી અધિકારી સાથે અસલી સરકારી કર્મચારીઓ મળી કુલ સાત આરોપીઓને જેલ હવાલે કર્યા છે. સરકારના એટલે કે પ્રજાના 4.15 કરોડ પૈકી 2.96 કરોડ રૂપિયા છોટાઉદેપુર પોલીસે આરોપીઓના ખાતાઓમાં ફ્રિજ કર્યા છે. 


છોટાઉદેપુર પોલીસની કામગીરીને બિરદાવી


કૌભાંડની તપાસમાં છોટાઉદેપુર પોલીસે દાહોદમાં પણ કૌભાંડ આચર્યા હોવાનો ખુલાસો કર્યો છે. ત્યારબાદ દાહોદ પોલીસ મથકમાં પણ આ કૌભાંડીઓએ 18.59 કરોડનું કૌભાંડ કર્યાની ફરિયાદ નોંધાઈ છે.  છોટાઉદેપુર ખાતે ઇન્સપેકશન માટે આવેલા વડોદરા રેન્જ આઈ જી સંદીપ સિંહે પત્રકાર પરિષદ દરમિયાન છોટાઉદેપુર પોલીસની કામગીરીને બિરદાવી હતી. 


4 કરોડ 15 લાખ રૂપિયાથી વધુની ઉચાપત કરી નાખી


છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં સંદીપ રાજપૂત નામના ભેજાબાજે કાર્યપાલક ઈજનેર શ્રી સિંચાઈ પ્રોજેક્ટ બોડેલી નામની બોગસ ડોક્યુમેન્ટથી એક ખોટી સરકારી કચેરી બનાવી દીધી હતી. જે બાદ તેણે 2021થી સરકારને ચૂનો લગાવવાનું શરૂ કર્યું હતું. સંદીપ રાજપૂતે સરકાર પાસેથી કુલ 93 કામના 4 કરોડ 15 લાખ રૂપિયાથી વધુની ઉચાપત કરી નાખી. એટલે કે ખોટી સરકારી ઓફિસ શરૂ કરી સરકારની આદિજાતિ પ્રાયોજના વિભાગની કચેરીમાંથી 4 કરોડ 15 લાખથી વધુની ગ્રાન્ટ લીધી હતી. તેણે 26 જુલાઇ 2021થી અત્યાર સુધી કુલ 93 કામોના રૂ 4,15,54915 કરોડનું કૌભાંડ આચર્યું હતું.


ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા


બોડેલી સિંચાઈ વિભાગના કાર્યપાલ ઈજનેર ધવલ પટેલને જ્યારે બોર્ડર વિલેજ યોજનાની વર્ષ 2023-24 ઉદવહન સિંચાઈ યોજનાની 12 કામોની રૂ. 3.74 કરોડની દરખાસ્ત વિશે પૂછવામાં આવતા તેઓએ આવી કોઈ જ દરખાસ્ત ન કરી હોવાનું જણાવ્યું હતું. આ સાંભળીને ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા અને તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.


        


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial