પ્રભાતસિંહ ઠાકોર અને દેવજી ફતેપુરા સારા મિત્ર અને એકબીજાના પરિચિત હતા. દેવજી ફતેપુરાએ પ્રભાતસિંહને રાજકોટ સ્થિત ખેતીની જમીન વેચાણ આપવાનું નક્કી કર્યું હતું. આ જમીનના બાનાપેટે દેવજી ફતેપુરાએ ટૂકેડ-ટૂકડે 1 કરોડ 48 લાખ 50 હજાર રૂપિયા મેળવ્યા હતા. આ અંગેનો બાનાખત 25 એપ્રિલ 2014ના રોજ કર્યો હતો. આ જમીનનો દસ્તાવેજ થઇ શકે તેમ ન હોવાથી દેવજી ફતેપુરાએ બાનાપેટે ચૂકવેલી રકમ પરત કરવા માટે પ્રભાતસિંહને સ્ટેટ બેંકની ગાંધીનગર શાખાનો 1 કરોડ 48 લાખ 50 હજાર રૂપિયાનો ચેક આપ્યો હતો. પ્રભાતસિંહે ચેક બેન્કમાં ભરતા આ ચેક રિટર્ન થયો હતો.
પ્રભાતસિંહે દેવજી ફતેપુરાને ચેક રિટર્ન થવા અંગે નોટીસ મોકલી હતી. નોટીસ પિરીયડમાં દેવજી ફતેપુરાએ પ્રભાતસિંહને ચેકની રકમ પરત કરી ન હતી. ચેકની રકમ પરત ન ચૂકવાતા પ્રભાતસિંહે દેવજી ફતેપુરા સામે કલોલ કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ કરી હતી. પુરાવા, ફરિયાદી અને સાક્ષીઓની જુબાની અને બન્ને પક્ષોની દલીલના અંતે કલોલ કોર્ટે દેવજી ફતેપુરાને 2 વર્ષની સાદી કેદની સજા સંભળાવી હતી. કોર્ટે 2 કરોડ 97 લાખ અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. દંડની રકમ ફરિયાદી પ્રભાતસિંહને ચૂકવવા જણાવ્યું છે અને જો ચૂકવવામાં ન આવે તો વધુ ત્રણ મહિનાની સજાનો હુકમ કલોલ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે.