Gandhinagar: પૂર્વ ધારાસભ્ય સુનિલ ઓઝાને બિહાર ભાજપના સહ પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે. બિહાર ભાજપના સંગઠનમાં બે ગુજરાતીની મહત્વની ભૂમિકા રહેશે. બિહાર ભાજપ સંગઠનમાં મહામંત્રી તરીકે ભીખુભાઈ દલસાણીયા કાર્યરત છે. સુનિલ ઓઝા 2014થી વડાપ્રધાનની વારાણસી સીટના પણ ઇન્ચાર્જ તરીકે રહ્યા છે.
સુનિલ ઓઝા ગુજરાતમાં બીજેપીની ટિકિટ પર ભાવનગરથી બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. 2007માં પાર્ટીએ ટિકિટ આપી નહોતી ત્યારે બળવો કરીને અપક્ષ ચૂંટણી લડ્યા હતા. જોકે તેઓ ચૂંટણી હારી ગયા હતા. કહેવાય છે કે ઓઝા અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી 2002 સુધી એકબીજાની નજીક હતી પરંતુ ગેરકાયદે મંદિર નિર્માણ તોડવાને લઈ બંને નેતા વચ્ચે મતભેદ થયા. 2008માં મોદીએ વિશ્વ હિન્દુ પરિષદના દબાણના કારણે મંદિરો તોડી પાડવાનું બંધ કર્યુ હતું. તે સમયે ઓઝા મહાગુજરાત જનતા પાર્ટીમાં હતા અને કહ્યું હતું કે, લોકોના ગુસ્સા આગળ મોદીએ ઝૂકવું પડ્યું. ધીમે ધીમે સમય બદલાતો ગયો અને બાદમાં સુનીલ ઓઝા 2011માં ફરી ભાજપમાં જોડાયા અને મોદી-શાહના નજીકના બની ગયા. 2014 લોકસભા ચૂંટણી માટે સુનીલ ઓઝાને અમિત શાહની સાથે યુપીના સહપ્રભારી બનાવાયા. સુનીલ ઓઝાને વારાણસીમાં પીએમ માટ ચૂંટણી રણનીતિ અને ચૂંટણી સંબંધિત કાર્યોનું મેનેજમેન્ટ કરતાં મુખ્ય વ્યક્તિ માનવામાં આવે છે. 2014 અને 2019 લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીની વારાણસીમાં ભવ્ય જીત માટે સુનીલ ઓઝાએ ખૂબ મહેનત કરી હતી.
રાજ્યમાં ગાજવીજ અને પવન સાથે પડશે કમોસમી વરસાદ
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે કમોસમી વરસાદ રહેશે. કેટલાક વિસ્તારમાં ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદ પડશે. આગામી 24 કલાકમાં સામાન્ય કમોસમી વરસાદ પડશે. બે દિવસ બાદ કમોસમી વરસાદનું જોર ઘટશે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે. સૌરાષ્ટ્રમાં આવતીકાલે કમોમસી વરસાદનું જોર રહેશે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહિત માવઠું પડશે. 3 દિવસ બાદ ગુજરાતમાં ગરમીનો પારો વધશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં 29 થી 31 માર્ચ સુધી કમોસમી વરસાદ વરસશે. 29 માર્ચે દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં માવઠું પડી શકે છે. 30 માર્ચે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, દ્વારકા, મોરબી, કચ્છ, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ જિલ્લામાં વરસાદ વરસી શકે છે. 31 માર્ચે ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ અને ભરુચ જિલ્લામાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના મતે વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાશે.