જામનગર: આશરે 13 વર્ષ જૂના કેસમાં ભાજપના જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલને કોર્ટે દોષીત જાહેર કર્યા છે. 2007માં ધ્રોલ સરકારી હોસ્પિટલમાં તોડફોડ કેસના મામલે ધારાસભ્ય રાઘવજી પટેલ સહિત પાંચને કોર્ટે આરોપી ઠેરવ્યા હતા. જ્યારે ત્રણને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

ધ્રોલ કોર્ટે રાઘવજી પટેલ સહિત પાંચને જુદી જુદી કલમો હેઠળ 6 માસની સજા અને 10 હજારના દંડની સજા સંભળાવી હતી. જો કે હાલ તમામને જામીનમુક્ત કરવામાં આવ્યા છે. જો રાઘવજી પટેલને 2 વર્ષ કરતાં વધુની સજા થાય તો તેમનું ધારાસભ્ય પદ રદ થઈ શકે છે.

વર્ષ ૨૦૦૭માં રાઘવજી કોંગ્રેસના ધારાસભ્ય હતા . ધ્રોલની સરકારી હોસ્પીટલમાં સુવિધાઓને મામલે આવેદનપત્ર આપતી વેળાએ તોડફોડ  કરી હતી. જેના કારણે ધી પબ્લિક પ્રોપર્ટી ડેમેજીસ એક્ટ સહિતની કલમો હેઠળ  ગુનો નોંધાયો હતો. કેસ વિથ ડ્રો ની પરવાનગી માંગતી અરજી પણ જે તે સમયે નામંજૂર કરવામાં આવી હતી.

અનેકવાર વિવાદોમાં આવી ચૂકેલા રાઘવજી પટેલ અત્યાર સુધીમાં પાંચ વાર પક્ષ પલટો કરી ચૂક્યા છે. વર્ષોથી રાજકારણની રમત રમતા રાઘવજી પટેલની 1975-1982 સુધી ધ્રોલ તાલુકા કોંગ્રેસના પ્રમુખ રહ્યાં હતા. ત્યારબાદ 1982-1989 સુધી જામનગર જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા. જિલ્લા પંચાયતની લતિપર બેઠક પરથી સદસ્ય તરીકે ચૂંટાઈ ચૂક્યા છે, તથા પહેલી વાર કાલાવડ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. ભાજપના નેતા કેશુભાઈ પટેલ સામે વિધાનસભા ચૂંટણી હાર્યા હતા. પરંતુ તે પછી જે તે પક્ષમાં આવતા-જતા રહ્યા છે.

કોરોનાનો કહેર વધતાં આ દેશે પાર્ટીઓ પર લગાવ્યો પ્રતિબંધ, પ્રધાનમંત્રીએ કરી ખાસ અપીલ