કોડીનારઃ કોડીનારમાં 14 વર્ષની છોકરી પર પ્રવીણ ઝાલા નામના રાજકારણીએ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાતાં ખળભળાટ મચી ગયો છે. સગીરા પર બળાત્કારના આ અપરાધમાં છોકરીના મામાએ જ મદદ કરી હોવાનો આક્ષેપ થયો છે.


આ બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત થયેલી વિગત અનુસાર, 14 વર્ષની સગીરા તેના નાની સાથે કોડીનાર રહેતી હતી. સગીરાના મામા કોડીનારના પ્રવીણ ઝાલાને ત્યાં ડ્રાઇવર તરીકે કામ કરે છે. સગીરાને તેના મામાએ ફાર્મ હાઉસમાં કામ કરવાના બહાને મોકલી હતી. ફાર્મ હાઉસમાં એકલતાનો લાભ લઈને રાજકીય આગેવાન પ્રવીણ ઝાલાએ સગીરા સાથે બળજબરીથી શારીરિક સંબંધો બાંધીને બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટનાની જાણ સગીરાનાં દાદીને થતાં તેમણે કોડીનાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

સગીરાનાં નાની જ્યાં ભાડે રહેતાં હતાં ત્યાં અગાઉ કૂટણખાનું ચાલતું હતું. પોલીસે પ્રવીણ ઝાલા નામના શખ્સ સહિત સગીરાના મામા, નાની અને મકાનમાલિક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ ગુનામાં પીડિતાના નાની, મામા અને લીલી નામની મહિલાની પોલીસે અટકાયત કરી છે. જોકે, મુખ્ય આરોપી પ્રવીણ ઝાલા હજુ પોલીસ પકડથી દૂર છે.