વડોદરાઃ ‘લવ જિહાદ’નો મુદ્દો અત્યારે બરાબર ગાજ્યો છે. ભાજપના ઘણા નેતા ‘લવ જિહાદ’ વિરોધી કાયદાની તરફેણ કરી રહ્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે કહ્યું હતું કે, ‘લવ જિહાદ’ વિરોધી કાયદા સાથે હું બિલકુલ સંમત છું અને ગુજરાતમાં પણ ‘લવ જિહાદ’ વિરોધી કાયદો લાવવો જોઈએ.


તેમણે કહ્યું કે,  કોઈ જબરજસ્તીથી છોકરીને ભગાડવાનો પ્રયત્ન કરે તો કાયદાકીય પગલાં ભરવા જ જોઈએ તેમ કહ્યું હતું. વડોદરા શહેરના સમા તળાવ પાસેની નૂતન વિદ્યાલય ખાતે રક્તતુલાના કાર્યક્રમ બાદ પત્રકારોને સંબોધતાં તેમણે કહ્યું કે, , મુખ્યમંત્રીનો અભિપ્રાય મારાથી જુદો હોઈ શકે. તેઓ મુખ્યમંત્રી છે પરંતુ હું માનુ છું કે આવા કોઈ કિસ્સા સામે આવતા હોય અને આવશ્યકતા હશે તો જરૂર આવો કાયદો હોવો જોઈએે. તેમણે ઉમેર્યું કે,  આજ સુધી આ ‘લવ જિહાદ’ વિશે મને કોઈ ધારાસભ્ય કે સાંસદ સભ્ય તરફથી રજૂઆત આવી નથી. કોઈ એક ધારાસભ્યએ રજૂઆત કરી તો તેનો મત્તલબ એ નથી કે બધા જ ધારાસભ્યો આવું માને છે તેમ તેમણે કહ્યું હતું.

સી.આર. પાટીલે કહ્યું હતું કે, કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને આયોજન જોતાં આગામી સ્થાનિક સ્વરાજની  ચૂંટણીમાં ભાજપ 100 ટકા સીટો જીતશે તેવો મને કાર્યકરો પર ભરોસો છે. 2022ની વિધાનસભા અને લોકસભાની ચૂંટણી સુધીની તૈયારીઓ અમે કરી રહ્યાં છીએ. પેજ કમિટી અને બુથ કમિટિઓ લોકસભાની ચૂંટણી પહેલા પૂર્ણ કરવાનો મને વિશ્વાસ   છે તેમ પાટીલે ઉમેર્યું હતું.