છેલ્લા 10 દિવસથી રાજ્યમાં ઠંડીનો પારો વધી રહ્યો છે. રાજ્યમાં સતત બીજા દિવસે 8 શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાન 12 ડિગ્રીથી નીચે નોંધાયું છે. શનિવારે નલિયા 3.8 ડિગ્રી સાથે રાજ્યમાં ઠંડુંગાર રહ્યું હતું જ્યારે અમદાવાદમાં 12.9 ડિગ્રીએ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો રહ્યો હતો.
હવામાન વિભાગે હજુ આગામી બે દિવસ દરમિયાન નલિયામાં કોલ્ડવેવ રહેવાની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતની સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 24 કલાક સુધી કોલ્ડવેવની અસર જોવા મળશે. શનિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.2 ડિગ્રી ગગડીને 27.4 ડિગ્રી અને લઘુતમ તાપમાન 0.8 ડિગ્રી ગગડીને 12.9 ડિગ્રી નોંધાયું હતું. રાજ્યમાં 3.8 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. કચ્છ અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ઠંડી પડવાની શક્યતા છે.
ઉત્તર ભારતમાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે હિમવર્ષા થઇ રહી છે. જેની સીધી અસર ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પણ જોવા મળી રહે છે બનાસકાંઠામાં પણ એક અઠવાડિયાથી ઠંડીનો પારો ગગડી ગયો છે. 5થી 7 ડિગ્રી તાપમાન ઘટી જતાં અહીં 8 ડિગ્રી તાપમાન થઈ ગયું છે. જેની સીધી અસર લોકોના જનજીવન પર પડી રહી છે.
કોરોના કહેર વચ્ચે લોકો ઠંડીથી રક્ષણ મેળવવા માટે અવનવા પ્રયાસો કરે છે. ગરમ કપડાં તો પહેરે જ છે તેમ છતાં પણ અસહ્ય ઠંડી પડતી હોવાના કારણે તેનાથી રક્ષણ મેળવવા માટે તાપણા નો સહારો લઈ રહ્યા છે અને આવા દ્રશ્યો ઠેરઠેર જોવા મળી રહ્યા છે.