Kutch : ગુજરાતમાં જેમ જેમ વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય ગરમાવો વધતો જઈ રહ્યો છે. ગુજરાતમાં હવે આમ આદમી પાર્ટી પણ સક્રિય થઇ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને આદમી પાર્ટીએ પણ પ્રચાર અભિયાન શરૂ કરી દીધું છે. ગત 11 તારીખે AAPના સંયોજક અને દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે એક જનસભા સંબોધી હતી અને ભાજપ પર પ્રહાર કર્યા હતા. હવે કચ્છમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને સોશિયલ મીડિયામાં અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ અભિયાન ચલાવવાની વાત કરી છે.
ભાજપનું કેજરીવાલ વિરુદ્ધ ‘મહાઠગ અભિયાન’
ઉલ્લેખનીય છે કે 11 મે ના રોજ રાજકોટમાં અરવિંદ કેજરીવાલની જનસભા પહેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કહ્યું હતું કે ગુજરાતમાં મહાઠગ આવી રહ્યો છે. 11તારીખની રેલીમાં અરવિંદ કેજરીવાલે ભાજપ પર કરેલા પ્રહારો બાદ હવે ભાજપ આકરા પાણીએ છે. કચ્છમાં ભારતીય જનતા પાર્ટીના એક કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કાર્યકરોને સૂચના આપી છે કે સોશિયલ મીડિયામાં અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ‘મહાઠગ અભિયાન’ ચલાવવામાં આવે.
કચ્છ જિલ્લા AAP પ્રમુખ સહીતના લોકો ભાજપમાં જોડાયા
ભુજ ખાતે યોજાયેલા ભારતીય જનતા પાર્ટીનાના કાર્યક્રમમાં સી.આર.પાટીલની હાજરીમાં અંદાજે 20 થી 25 લોકો ભાજપમાં જોડાયા. આ લોકોમાં આમ આદમી પાર્ટીના કચ્છ જિલ્લા પૂર્વ પ્રમુખ પણ હતા. કચ્છ ભાજપમાં 25 નેતાઓ-કાર્યકર્તાઓનો વધારો થયો છે.
મોટી રેલી ન રાખો : સી આર પાટીલ
ભુજ ખાતેના કાર્યક્રમમાં સી આર પાટીલે કાર્યકર્તાઓને કહ્યું હતું કે બહુ મોટી રેલી ન કરવી જોઈએ, મોટી રેલીમાં કાર્યકર્તાઓ થાકી જાય છે. આ સાથે જ તેમને સુરતની સભા અને સુરતની રેલીનું ઉદાહરણ આપી સમજાવ્યું કે રેલી નાની રાખવી.આ સાથે કે તેમણે કહ્યું કે પેજ કમિટીથી પેટા ચૂંટણીમાં ભાજપ 35000થી વધુ મતથી જીત્યું અને જ્યાં કોંગ્રેસ ન જીતી શકે ત્યાં પણ જીત્યા.