Valsad : વલસાડ જિલ્લાની એક ખાનગી કંપનીમાં આવેલ ગુજરાત સરકારના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈએ વીજળી અને ગેસ ના વધતા ભાવો પર નિવેદન આપ્યું હતું કે માત્ર ગુજરાતમાં જ પાવર કટ નથી. સમગ્ર દેશમાં ગુજરાત જ એક એવું રાજ્ય છે જે પાવર કટની સમસ્યાથી બચી શક્યું છે. આવું નિવેદન રાજ્યના નાણા અને ઉર્જા મંત્રી કનુ દેસાઇએ આપ્યું છે.
વાપીના મોરાઇમાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત ઉર્જામંત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આભારી છે. કારણ કે પીએમ નરેન્દ્ર મોદીના પ્રયાસોથી જ રાજ્યમાં અત્યારે રોજના 6 હજાર મેગાવોટ સોલાર અને વિન્ડ એનર્જી ઉપલબ્ધ થઈ રહી છે.
ખાનગી કંપનીમાં નાણા અને ઉર્જા મંત્રી કનુ દેસાઇએ રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહી અને રક્તદાન કરનાર કર્મચારીઓ અને કામદારો નો ઉત્સાહ વધાર્યો હતો. આ વખતે મીડિયા સાથેની વાતચીતમાં તેઓએ વર્તમાન સમયમાં રાજ્યમાં વીજળીની સમસ્યા અંગે વાત કરી હતી. સાથે જ વીજળી અને ગેસના ભાવ વધારા અંગેના સવાલના જવાબમાં ઉર્જામંત્રી કનુ દેસાઇએ જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં અત્યારે યુક્રેન અને રશિયાના યુદ્ધને કારણે ગેસ પૂરવઠામાં સમસ્યા સર્જાઈ છે.આથી દેશના ગેસ આધારિત વીજ પ્લાન્ટ બંધ છે. આથી વીજળીનો સંપૂર્ણ મદાર ઈમ્પોર્ટેડ કોલસા આધારિત છે.તેમ છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી અત્યારે રાજ્યમાં રોજના 6 હજાર મેગાવોટ જેટલું સોલાર અને વિન્ડ એનર્જીનો ઉત્પાદન થઇ રહ્યું છે.
સાથે જ કોલસા આધારિત જ વીજ ઉત્પાદનથી રાજ્યના ઉદ્યોગો અને રહેણાક વિસ્તારને પૂરતો વીજ પુરવઠો મળી રહ્યો છે.આવું નિવેદન નાણાને ઉર્જા મંત્રી કનુ દેસાઇએ મીડિયા સમક્ષ વ્યક્ત કર્યું હતું.
જૂની પેંશન યોજના અંગે આપ્યું હતું નિવેદન
ગુજરાતમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે હવે સરકારી કર્મચારીઓ લડી લેવાના મૂડમાં છે. ગાંધીનગરમાં હજારો કર્મચારીઓ જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવા મુદ્દે ધરણા કરી રહ્યાં છે. આ દરમિયાન સરકાર તરફથી એક મોટા સમાચાર સામે આવ્યાં છે. ગુજરાતના નાણાપ્રધાન કનુ દેસાઈએ જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવા અંગે નિવેદન આપ્યું છે. નાણાપ્રધાન કનુ દેસાઈએ કહ્યું કે રાજ્યમાં જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવાની વાત કરવામાં નહિ આવે. નાણાપ્રધાનના આ નિવેદનથી સરકારનો વિચાર સ્પષ્ટ છે કે સરકાર જૂની પેન્શન યોજના લાગુ કરવાની દિશામાં સકારાત્મક અભિગમ નથી ધરાવી રહી.