Gujarat Budget 2024: ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ગુરુવારથી શરૂ થયું હતું. બજેટ સત્રના બીજા દિવસે ગુજરાતનું બજેટ રજૂ કરવામા આવશે. ગુજરાત વિધાનસભામાં આજે વર્ષ 2024-25નું બજેટ રજૂ કરવામાં આવશે. નાણામંત્રી પ્રશ્નોતરી બાદ બપોરના સમયે બજેટ રજૂ કરશે. પાંચ સ્તંભ હેઠળ વધુ રકમ ફાળવાશે.કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરશે. આ સાથે સરકાર બજેટ સત્રમાં રામ મંદિરને લઈને અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવાની પણ તૈયારી કરી રહી છે. દેશમાં લોકસભાની ચૂંટણી પહેલા શરૂ થઈ રહેલું ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર એક મહિનો ચાલશે.






ભૂપેન્દ્ર સરકાર પૂર્ણ બજેટ રજૂ કરશે


ભૂપેન્દ્ર સરકાર પૂર્ણ બજેટ રજૂ કરશે.બજેટ સત્રની શરૂઆત બાદ ગુજરાત સરકારનું બજેટ બીજા દિવસે 2 ફેબ્રુઆરી 2024ના રોજ રજૂ કરવામાં આવશે. જે અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ હશે. છેલ્લા ઘણા સમયથી ગુજરાત સરકાર બજેટમાં સતત વધારો કરી રહી છે, જેથી પ્રજાના વિકાસના કામોને વેગ મળે અને લોકોને સીધો લાભ મળી શકે. માનવામાં આવે છે કે આ વખતે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર કેટલીક મોટી જાહેરાતો કરી શકે છે. સામાન્ય રીતે લોકસભાની ચૂંટણી સમયે રાજ્ય સરકાર વોટ ઓન એકાઉન્ટ પણ લાવે છે, પરંતુ આ વખતે ભૂપેન્દ્ર પટેલ સરકારે સંપૂર્ણ બજેટ રજૂ કરવાનો નિર્ણય લીધો છે.


નોંધનીય છે કે ગઇકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન સાથે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થયો હતો. ચર્ચાની શરૂઆત પહેલાં વિધાનસભાના દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલી અપાઇ હતી. વડોદરા બોટકાંડના મૃતકોને પણ શ્રદ્ધાંજલી પાઠવાઈ હતી.


બાદમાં વિધાનસભામાં ગૃહમાં ગુજરાત ગણોત વહીવટી અને ખેતી જમીન કાયદા સુધારા વિધેયક સર્વાનુમતે પસાર થયું હતું. આજે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ 2024-25નું બજેટ રજૂ કરશે. પ્રશ્નોતરી કાળ બાદ સવારે 11 વાગ્યે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ બજેટનું વાંચન શરૂ કરે તેવી શક્યતા છે.