gujarat budget 2025: ગુજરાત સરકારે તાજેતરમાં રજૂ કરેલા બજેટ 2025-26માં મહિલા સશક્તિકરણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ ભાષણમાં મહિલાઓ માટે અનેક નવી યોજનાઓ અને પહેલોની જાહેરાત કરી છે, જે ગુજરાતની મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. બજેટમાં મહિલાઓ માટે કુલ 5 મોટી જાહેરાતો કરવામાં આવી છે, જે નીચે મુજબ છે:


૧. મહિલાઓ માટે નવી 'સખી સાહસ યોજના' :


મહિલાઓની આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે નવી 'સખી સાહસ યોજના' શરૂ કરી છે. આ યોજના માટે બજેટમાં રૂ. 100 કરોડની માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે. આ યોજના હેઠળ મહિલાઓને સાધન સહાય, લોન ગેરંટી અને જરૂરી તાલીમ આપવામાં આવશે, જેથી તેઓ પોતાના વ્યવસાય શરૂ કરી શકે અને આર્થિક રીતે પગભર બની શકે.


૨. વર્કિંગ વુમન માટે અત્યાધુનિક હોસ્ટેલ સુવિધા :


ગુજરાતમાં બહારગામથી નોકરી કરતી મહિલાઓ માટે રાજ્ય સરકારે ખાસ સુવિધાજનક વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનું આયોજન કર્યું છે. શરૂઆતમાં, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગર જેવા મુખ્ય શહેરોમાં આ હોસ્ટેલ બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે હાલમાં રૂ. 69 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ હોસ્ટેલ મહિલાઓને સલામત અને સુવિધાજનક રહેઠાણ પૂરું પાડશે, જેથી તેઓ તેમની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી શકે.


૩. પીએનજી-એલપીજી સહાય યોજના ચાલુ રહેશે :


રાજ્ય સરકારે પીએનજી-એલપીજી સહાય યોજનાને ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે અને આ માટે બજેટમાં રૂ. 500 કરોડની ફાળવણી કરી છે. આ યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને રાંધણ ગેસના ખર્ચમાં રાહત આપશે.


૪. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનામાં વધારો :


ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ વિધવા બહેનોને મળતી માસિક સહાયમાં વધારો કરવામાં આવ્યો છે. હવે વિધવા બહેનોને માસિક રૂ. 1250 ની સહાય મળશે, જેના માટે બજેટમાં રૂ. 3015 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ વધારો વિધવા મહિલાઓને આર્થિક સુરક્ષા પ્રદાન કરશે.


૫. વ્હાલી દીકરી યોજનાને વધુ મજબૂત બનાવશે :


વ્હાલી દીકરી યોજના હેઠળ દીકરીઓના શિક્ષણ અને ભવિષ્યને સુરક્ષિત કરવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. આ યોજના હેઠળ સહાય આપવા માટે બજેટમાં રૂ. 217 કરોડની ફાળવણી કરવામાં આવી છે.


આ ઉપરાંત, રાજ્ય સરકારે મહિલાઓ અને બાળકોના પોષણ સ્તરને સુધારવા માટે પણ મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા માતાઓને એક હજાર દિવસ સુધી પોષક આહાર પૂરો પાડવા માટે રૂ. 372 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ પૂર્ણા યોજના હેઠળ કિશોરીઓના કુપોષણને ઘટાડવા માટે પૂર્ણા શક્તિના પેકેટ આપવા માટે રૂ. 335 કરોડની ફાળવણી કરવામાં આવી છે.


ગુજરાત સરકાર દ્વારા બજેટમાં મહિલાઓ માટે કરવામાં આવેલી આ પાંચ મોટી જાહેરાતો મહિલા સશક્તિકરણ અને રાજ્યના વિકાસમાં એક સીમાચિહ્નરૂપ પગલું છે. આ યોજનાઓ મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં અને તેમને સમાન તકો પ્રદાન કરવામાં મદદ કરશે.


આ પણ વાંચો...


ગુજરાત બજેટમાં સ્ટેમ્પ ડ્યૂટી અને ટેક્સમાં અભૂતપૂર્વ ઘટાડો, સામાન્ય માનવીના ખિસ્સાને મળશે મોટી ટાઢક!